Homeગુજરાતીગુજરાતબોટાદના ગોરડકા ગામે રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી

બોટાદના ગોરડકા ગામે રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી

બોટાદ, 15 ઓગસ્ટ 2026 : The Governor appealed to farmers to adopt natural farming જિલ્લાના ગોરડકા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ પ્રકૃતિ અને ધરતી સાથેના પોતાના આત્મીય સંબંધનો પરિચય કરાવ્યો હતો. વહેલી સવારે રાજ્યપાલ સ્થાનિક ખેડૂત  અલ્પેશભાઈ રાઘવભાઈ કળથીયાના  ખોડલ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પંચસ્તરીય મોડલમાં ઊભા વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ગૌ દુગ્ધ દોહન કરીને ગૌઆધારિત પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલને ખેતરમાં સહજતાથી ખેડૂતો સાથે વાતચીત કરતા જોઈ ઉપસ્થિત ખેડૂતોમાં પણ ઉત્સાહનો સંચાર થયો હતો.

ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી વિવિધ પદ્ધતિઓ, દેશી ગાય આધારિત ખેતી અને મૂલ્યવર્ધિત પેદાશોની પ્રક્રિયા અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે ખેડૂતોને ઘન જીવામૃત બનાવવાની પ્રત્યક્ષ તાલીમ આપી હતી. પ્રાકૃતિક કૃષિથી મેળવેલા ઉત્પાદનોનું યોગ્ય રીતે મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોને રાસાયણિક ખેતી કરતાં પણ સારી આવક મળી શકે છે તેમ જણાવી તેમણે ખેડૂતોને માત્ર ઉત્પાદન પૂરતા સીમિત ન રહી પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન તરફ પણ આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન જેટલો વધારે, એટલી જમીન વધુ જીવંત અને ખેતી વધુ સમૃદ્ધ બને છે. જંગલમાં કોઈ ખાતર નાખવા કે પાણી આપવા જતું નથી, છતાં ત્યાં વૃક્ષો હરિયાળાં રહે છે. પ્રકૃતિ પોતે જ તેનું પોષણ કરે છે. આપણે પણ પ્રકૃતિ પાસેથી ખેતીનો આ પાઠ શીખવો જોઈએ. તેમણે ખેતીમાં અચ્છાદનનું મહત્વ સમજાવ્યું હતું.

રાજ્યપાલની મુલાકાતથી પ્રેરિત ખેડૂત  અલ્પેશભાઈ કળથીયાએ જણાવ્યું હતું કે, રાજ્યપાલ અમારા ખેતરે પધાર્યા અને ખૂબ જ આત્મીયતાથી ખેતીની વાતો કરી તે અમારા માટે ગૌરવની ક્ષણ છે. તેમના અનુભવસભર માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતીને વધુ સારી રીતે આગળ વધારવા અમને નવી દિશા અને ઉત્સાહ મળ્યો છે.

સંબંધિત લેખો

Most Popular