અમરેલી, 15 ઓગસ્ટ 2026 : Grand state-level celebration of the 80th Independence Day દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આ વર્ષે અમરેલી ખાતે યોજાઈ રહી છે. આ ગૌરવવંતા રાષ્ટ્રીય ઉત્સવના પૂર્વ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે અમરેલી પધારી, નગરદેવ સમાન પૌરાણિક શ્રદ્ધાધામ નાગનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીએ શ્રી નાગનાથ મહાદેવના દર્શન કરી મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના તથા જળાભિષેક કર્યો હતો. તેમણે સમગ્ર ગુજરાતના નાગરિકોની સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે નાગનાથ મહાદેવ દેવસ્થાન સંસ્થાનના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીનું મોમેન્ટો અર્પણ કરીને સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન દરમિયાન મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ પ્રત્યે આત્મીયતા દર્શાવી અત્યંત સાદગી અને સ્નેહસભર ભાવે ભાવિકો સમક્ષ શ્રદ્ધાભેર”મહાદેવ… મહાદેવ” નો નાદ કરી અભિવાદન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા સહિત પદાધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, પોલીસ વડા સંજય ખરાત સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

