Homeગુજરાતીદેશ-વિદેશમેરઠનો ચર્ચાસ્પદ સૌરભ હત્યાકાંડ: પત્ની મુસ્કાન અને તેના પ્રેમીને કોર્ટે દોષિત જાહેર...

મેરઠનો ચર્ચાસ્પદ સૌરભ હત્યાકાંડ: પત્ની મુસ્કાન અને તેના પ્રેમીને કોર્ટે દોષિત જાહેર કર્યાં

લખનૌ, 30 સપ્ટેમ્બર 2026: સમગ્ર દેશમાં સન્સનાટી મચાવનારા મેરઠના ચર્ચાસ્પદ સૌરભ હત્યાકાંડમાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. જિલ્લા અને સત્રો ન્યાયાધીશની અદાલતે સૌરભની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા છે. સૌરભની ઘાતકી હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી પ્લાસ્ટિકના ડ્રમમાં પૂરી સીમેન્ટના ઘોળથી સીલ કરી દેવામાં આવ્યા હતા. બંને પક્ષોની અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા છે અને સજાની જાહેરાત પર ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટ પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મોટી સંખ્યામાં વકીલો પણ કોર્ટરૂમમાં હાજર રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા જેલમાં બંધ આરોપી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

અભિયોગ પક્ષ અનુસાર, મેરઠના ઇન્દિરાનગરનો નિવાસી સૌરભ લંડનમાં નોકરી કરતો હતો અને 24 ફેબ્રુઆરી 2025ના રોજ પોતાના ઘરે પરત ફર્યો હતો. સૌરભના આવ્યા બાદ પત્ની મુસ્કાન અને તેના પ્રેમી સાહિલના સંબંધોમાં તે અડચણરૂપ બની રહ્યો હતો. આથી બંનેએ મળીને સૌરભને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. 3 માર્ચ 2025ની રાત્રે સૌરભના જમવામાં નશીલી દવા ભેળવી દેવામાં આવી હતી. તે બેભાન થઈ જતાં મુસ્કાને સાહિલને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ બંનેએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી સૌરભની નિર્મમ હત્યા કરી નાખી હતી.

પોલીસ તપાસ અનુસાર, હત્યા બાદ પુરાવાનો નાશ કરવા અને મૃતદેહને ઠેકાણે પાડવા માટે તેના અનેક ટુકડા કરવામાં આવ્યા હતા. આ માટે આરોપીઓએ ડ્રમ, સીમેન્ટ, રેતી અને ડસ્ટ ખરીદ્યા હતા. મૃતદેહના ટુકડાઓને પ્લાસ્ટિકમાં લપેટીને ડ્રમમાં મૂકવામાં આવ્યા હતા અને ઉપરથી સીમેન્ટનું ઘોળ રેડીને તેને સીલ કરી દેવાયું હતું. આ ભયાનક કાંડ રચ્યા બાદ બંને આરોપીઓ શિમલા-મનાલી ફરવા જતા રહ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

  • સાયન્ટિફિક અને ફોરેન્સિક પુરાવા બન્યા નિર્ણાયક

બચાવ પક્ષે કોઈ પ્રત્યક્ષદર્શી ન હોવાની અને સંપત્તિ વિવાદમાં ફસાવવામાં આવ્યા હોવાની દલીલ કરી હતી. પરંતુ સરકારી પક્ષે પબ્લિક પ્રોસિક્યુટર, મેડિકલ અને ફોરેન્સિક પુરાવાના આધારે કેસ મજબૂત બનાવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરના નિવેદન અનુસાર, સૌરભનું મોત અતિશય રક્તસ્રાવ અને શૉકને કારણે થયું હતું. 18 માર્ચ 2025ના રોજ સૌરભના ભાઈની ફ્રિયાદ પર કેસ નોંધાયા બાદ પોલીસે ઘરમાંથી જ સીમેન્ટથી જામી ગયેલા ડ્રમમાંથી મૃતદેહ કબજે કરી બંનેની ધરપકડ કરી હતી.

  • 22 સાક્ષીઓની જુબાની અને 125 મુદતો

આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટે દૈનિક ધોરણે સુનાવણી હાથ ધરી હતી. કેસ દરમિયાન કુલ 22 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી અને આશરે 125 જેટલી મુદતો પડી હતી. કોર્ટના નિર્ણય પહેલા સૌરભના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. સૌરભના મોટા ભાઈ અને માતાએ ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું હતું કે, “અમે આ રાક્ષસી કૃત્ય કરનારાઓ માટે ફાંસીની સજાથી ઓછું કંઈ જ નથી ઈચ્છતા.”

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular