Homeગુજરાતીદેશ-વિદેશબાંગ્લાદેશમાં ભડકી રાજકીય હિંસા: અવામી લીગના દેશવ્યાપી બંધ વચ્ચે પૂર્વ મંત્રી અને...

બાંગ્લાદેશમાં ભડકી રાજકીય હિંસા: અવામી લીગના દેશવ્યાપી બંધ વચ્ચે પૂર્વ મંત્રી અને અભિનેત્રીની ધરપકડ

ઢાકા, 19 નવેમ્બર 2026: બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી ‘અવામી લીગ’ દ્વારા આજે એટલે કે 19 નવેમ્બરના રોજ દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે પોલીસે મોટી કાર્યવાહી કરતા પૂર્વ શિક્ષણ મંત્રી નુરુલ ઈસ્લામ નાહિદ અને જાણીતી ફિલ્મ અભિનેત્રી જ્યોતિકા જ્યોતિની ધરપકડ કરી છે. બીજી તરફ, નરૈલ જિલ્લામાં બીએનપીની રેલી પર થયેલા હુમલામાં પાર્ટીના બે સ્થાનિક નેતાઓની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. દેશના અનેક ભાગોમાં બોમ્બ ધડાકા અને આગચંપીની ઘટનાઓ બનતા સમગ્ર દેશમાં ભયનો માહોલ છવાયો છે.

ઢાકા પોલીસે ગુરુવારે વહેલી સવારે ઉત્તરા વિસ્તારમાંથી પૂર્વ શિક્ષણ મંત્રી નુરુલ ઈસ્લામ નાહિદને ઝડપી લીધા હતા. અવામી લીગની સલાહકાર પરિષદના સભ્ય નાહિદ 2008 બાદ સતત 10 વર્ષ સુધી શિક્ષણ મંત્રી રહ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2024 ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓના કેસમાં તેમની સામે ગુના નોંધાયેલા છે. આ કાર્યવાહીની ગણતરીની મિનિટો બાદ, અંદાજે 2.45 વાગ્યે પોલીસે ઉત્તરાના સેક્ટર-18 સ્થિત સરકારી આવાસ પરથી અભિનેત્રી જ્યોતિકા જ્યોતિની પણ ધરપકડ કરી હતી. જોકે, તેમની ધરપકડ કયા કેસમાં થઈ છે તે હજુ સ્પષ્ટ કરાયું નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ અવામી લીગ સમર્થક કલાકારો અને પત્રકારોના ‘આલો આશબેઈ’ નામના વોટ્સએપ ગ્રુપની ચેટ લીક થઈ હતી, જેમાં જ્યોતિકાનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું.

  • નરૈલ જિલ્લામાં બીએનપીના બે નેતાઓની હત્યા

બુધવારે સાંજે નરૈલ જિલ્લાના કાલિયા વિસ્તારમાં કથળેલી કાયદો-વ્યવસ્થા અને આતંકવાદના વિરોધમાં બીએનપી દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી પર થયેલા જીવલેણ હુમલામાં કૃષક દળના સ્થાનિક મહાસચિવ શાહીન અને ‘જાસાસ’ ના મહાસચિવ સોહેલ મોલ્લા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. સ્થાનિક તંત્રએ આ હુમલા પાછળ પ્રતિબંધિત અવામી લીગના કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

ઓગસ્ટ 2024 માં વિદ્યાર્થી આંદોલન બાદ ભારત ચાલ્યા ગયેલા શેખ હસીનાએ હવે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પાર્ટી પરથી પ્રતિબંધ હટાવવા અને હસીનાની વાપસીની માંગ સાથે અવામી લીગે 14 થી 19 નવેમ્બર સુધી વિરોધ પ્રદર્શનોનું એલાન કર્યું હતું. પોલીસના આંકડા મુજબ, છેલ્લા 10 દિવસમાં દેશના ઓછામાં ઓછા 28 જિલ્લાઓમાં બોમ્બ ધડાકા અને વાહનો સળગાવવાની ઘટનાઓ બની છે. ઢાકા પોલીસે છેલ્લા 24 કલાકમાં પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 71 લોકોની ધરપકડ કરી છે.

સમગ્ર પરિસ્થિતિ પર નિવેદન આપતા ગૃહ મંત્રી સલાહુદ્દીન અહેમદે ચેતવણી આપી છે કે હિંસા ફેલાવનારા તત્વોની ઓળખ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે આક્ષેપ કર્યો છે કે વિદેશમાં આશરો લઈ રહેલા અવામી લીગના નેતાઓ પોતાના સમર્થકોને હિંસા માટે ઉશ્કેરી રહ્યા છે. હાલ દેશભરમાં અર્ધલશ્કરી દળોની ટુકડીઓ તૈનાત કરીને સુરક્ષા લોખંડી બનાવી દેવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img