લાહોર, 19 નવેમ્બર 2026: પાકિસ્તાનમાં ઈમરાન ખાન બાદ હવે સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા હોય તેમ ‘પાકિસ્તાન પીપલ્સ પાર્ટી’ ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો પાકિસ્તાની શાસકોના નિશાના પર આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પડદા પાછળ પાકિસ્તાનના ગૃહ મંત્રી મોહસિન નકવી દ્વારા બિલાવલની રાજકીય તાકાત નબળી પાડવા માટે ખાસ રણનીતિ ઘડાઈ રહી હોવાનો દાવો કરાયો છે. મંગળવારે બિલાવલે જાહેરમાં કરાચીના રસ્તાઓ પર લોહી વહેવાની ચેતવણી આપતા આ સમગ્ર વિવાદ સપાટી પર આવ્યો છે.
અહેવાલો મુજબ, પાકિસ્તાન સરકાર સિંધ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતને બે ભાગમાં વહેંચવા માટે એક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે, જેના માટે જનમત સંગ્રહ કરાવવાની યોજના છે. આ પ્રસ્તાવને લઈને બિલાવલ ભુટ્ટો ભારે નારાજ હોવાનું જાણવા મળે છે. વર્તમાન સ્થિતિમાં બિલાવલ ભુટ્ટો સરકારને ટેકો આપી રહ્યા છે, પરંતુ બીજી તરફ સેના પ્રમુખ આસિમ મુનીર અને તેમના નિકટના ગણાતા મોહસિન નકવી દ્વારા સિંધના વિભાજનનો દાવ ખેલી બિલાવલને રાજકીય રીતે ભીંસમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું મનાય છે. લાંબા સમયથી સિંધના બે ટુકડા કરવાની માંગ ઉઠી રહી છે, જેને નકવી હવે વાસ્તવિક રૂપ આપવા માંગે છે.
સિંધને ભુટ્ટો પરિવારનો મજબૂત ગઢ માનવામાં આવે છે અને હાલ ત્યાં પીપીપીની સરકાર છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી તેમજ સેનાના મહત્વના મથકો પણ આ જ વિસ્તારમાં આવેલા છે. જો સિંધનું વિભાજન થાય તો ભુટ્ટો પરિવારનું પ્રભુત્વ ઘટી શકે છે અને ભવિષ્યમાં તેમની રાજકીય પકડ નબળી પડી શકે છે. આ મામલે પત્રકારો સાથે વાતચીત કરતા બિલાવલ ભુટ્ટોએ જનમત સંગ્રહના પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. તેમણે કહ્યું હતું કે સરકારે આ મુદ્દે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરવી જોઈએ, અન્યથા કરાચીના રસ્તાઓ પર લોહી વહેશે. બીજી તરફ, સરકારના મંત્રી અતા તરારે બિલાવલના આ નિવેદનને કમનસીબ ગણાવ્યું છે.








