રેસીપી, 01 ઓક્ટોબર 2026: સવારના સમયે જ્યારે કઈંક હળવું અને ચટપટું ખાવાનું મન થાય, ત્યારે હની ચીલી મખાના એક બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે. મખાણા ન્યુટ્રિશન્સથી ભરપૂર હોય છે, અને જ્યારે તેને મધની મીઠાશ અને ચીલી ઓઈલની તીખાશ સાથે મિક્સ કરવામાં આવે છે, ત્યારે તે સ્વાદમાં અદભુત લાગે છે.
હની ચીલી મખાના ઈન્સ્ટન્ટ બની જતી ક્રિસ્પી સ્નેક રેસીપી છે, જે બાળકો અને મોટાં સૌ કોઈને ખૂબ જ પસંદ આવે છે.
હની ચીલી મખાના રેસીપી
સામગ્રી
2 કપ મખાણા
2-3 ચમચી મધ
2 ચમચી ગ્રીન ચીલી ઓઈલ
મીઠું, સ્વાદ મુજબ
શેકેલા સફેદ તલ
હની ચીલી મખાના બનાવવાની રીત
એક કડાઈ કે પેનને ધીમી આંચ પર ગરમ કરો. તેમાં 2 કપ મખાના ઉમેરીને 5 મિનિટ સુધી સતત હલાવતા રહીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. શેકેલા મખાનાને એક બાઉલમાં કાઢી લો.
તે જ પેનમાં ધીમી આંચ પર 2 ચમચી ગ્રીન ચીલી ઓઈલ ઉમેરો. ત્યારબાદ તેમાં ૨-૩ ચમચી મધ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. 10 સેકન્ડ માટે મિશ્રણને હળવું ગરમ થવા દો જેથી મધ અને ચીલી ઓઈલ એકરસ થઈ જાય.
હવે ગરમ મિશ્રણમાં શેકેલા મખાના ઉમેરો અને ઝડપથી હલાવીને મખાના પર મધ-ચીલીનું કોટીંગ સરસ રીતે થઈ જાય તે રીતે મિક્સ કરી લો.
ઉપરથી શેકેલા સફેદ તલ ઉમેરીને ફરીથી એકવાર સરખી રીતે મિક્સ કરી લો.
ગેસ બંધ કરી મખાનાને થોડા ઠંડા થવા દો. ઠંડા થતાં જ તે વધુ ક્રિસ્પી થઈ જશે. ચા ના સમય માટે કે સ્નેક્સ તરીકે ગરમાગરમ કે ઠંડા સર્વ કરો.


