સુરત, 1 ઓક્ટોબર, 2026 : Vande Bharat train will run between Surat-Udaipur 6 days a week સુરતથી ઉદેપુર વચ્ચે વંદેભારત ટ્રેન કાલે તા. 2જી ઓક્ટોબરથી સપ્તાહના 6 દિવસ દોડશે, કાલે શુક્રવારે 2જી ઓક્ટોબરે ટ્રેનના લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાશે. અને 4 ઓક્ટોબરથી વંદે ભારત ટ્રેન સુરત – ઉદેપુર વચ્ચે નિયમિત દોડશે. અગાઉ આ ટ્રેન અમદાવાદના અસારવાથી હિંમતનગર થઈ ઉદેપુર સુધી દોડતી હતી. પણ ભરૂચ, સુરત અને વડોદરા સહિતના વિસ્તારોમાંથી મળેલી રજૂઆતો અને મુસાફરોની માંગણીથી ટ્રેનને સુરત સુધી લંબાવવામાં આવી છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત અને ઉદેપુર વચ્ચે વંદે ભારત ટ્રેન તા. 2જી ઓક્ટોબરને શુક્રવારથી અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને દર મંગળવારે બંધ રહેશે. તેના સ્ટોપેજમાં ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર (અમદાવાદ), અસારવા, હિંમતનગર, શામળાજી, ડુંગરપુર અને જાવરનો સમાવેશ થાય છે. ટ્રેન સુરતથી સાંજે 6.10 કલાકે ઉપડશે. ઉદેપુર વંદેભારતનો નંબર 26904 અને સુરતથી ઉપડનારી ટ્રેનનો નંબર 26903 રહેશે.
પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડાસા સ્ટેશનથી શામળાજી રોડ સ્ટેશન વચ્ચેના નવા રેલવે વિભાગમાં એન્જિન રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે. 17.27 કિલોમીટર લાંબા આ વિભાગમાં વિવિધ મહત્વપૂર્ણ માળખાકીય કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 4 મેજર બ્રિજ, 19 માઇનોર બ્રિજ, 12 LHS/RUB, 2 લેવલ ક્રોસિંગ અને 8 ગોળાઈઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આશરે 8 લાખ ઘનમીટર અર્થવર્ક અને 60,500 ઘનમીટર બ્લેન્કેટિંગનું કામ કરવામાં આવ્યું છે. વિભાગની બાકી કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.


