અમદાવાદ, 7 ઓક્ટોબર, 2026 : Lawyers’ strike against rent bill ends ગુજરાત વિધાનસભામાં ભાડા વિધેયક 2026 બિલને મંજુરી અપાતા તેના વિરોધમાં ગુજરાતભરના વકીલો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. વકીલોએ ઘરણા અને રેલીઓ કાઢીને ભારે વિરોધ કર્યો હતો. સરકારે વિધેયક પર રોક લગાવીને રાજ્યપાલ બિલ પર સહીં નહીં કરે તેવી જાહેરાત કરી હતી. દરમિયાન વકીલો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ ભાડા વિધેયકમાં જરૂરી સુધારા કરવા માટે 5 સભ્યોની કમિટી રચવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે જ ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તા જ્યુડિશિયલ ઓથોરિટી પાસે જ રહે તે અંગે સરકાર દ્વારા ખાતરી આપતા 6 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાલનો અંત આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન પી.ડી. પટેલે જણાવ્યું હતું કે, ભાડા વિધેયક 2026ને લઈને વકીલોમાં ભારે નારાજગી હતી અને હડતાળ પર ઉતર્યા હતા. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી. તેમજ બાર કાઉન્સિલના સભ્યો સાથે પણ ચર્ચા થઈ હતી. સરકાર દ્વારા નવા કાયદાની સમીક્ષા કરવા માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવશે અને કમિટી દ્વારા સૂચવવામાં આવેલા સુધારા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના અગ્રણીઓએ જણાવ્યું કે, વકીલોને સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે. વર્તમાન કાયદા અને નવા કાયદાની જોગવાઈઓને તારવીને જરૂરી ફેરફાર કરવામાં આવશે. ખાસ કરીને ભાડૂઆત અને મિલકત સંબંધિત સત્તા જ્યુડિશિયરી પાસે જ રહેશે, જ્યારે કલેક્ટરને સત્તા આપવાનો મુદ્દો રદ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી આવેલો કાયદો સીધો લાગુ કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ કાયદાનો અભ્યાસ કર્યા બાદ વકીલોએ પોતાના મુદ્દા સરકાર સમક્ષ રજૂ કર્યા હતા, પરંતુ શરૂઆતમાં તેમની માંગણીઓ માન્ય રાખવામાં આવી નહોતી અને વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. તેના વિરોધમાં વકીલો કામકાજથી અળગા રહ્યા હતા. સરકાર સાથેની ચર્ચા અને મળેલી ખાતરી બાદ વિરોધ સમેટી લેવામાં આવ્યો છે. આજે 7 ઓક્ટોબરથી કોર્ટમાં કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.


