નવસારી, 7 ઓક્ટોબર, 2026 : leopard snatches baby in front of mother’s eyes જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામે અઢી વર્ષના બાળકને માતાને નજર સામે દીપડો જંગલમાં ઉઠાવી ગયો હતો. આ બનાવની જાણ થતાં વન વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને ગ્રામજનોની મદદથી બાળકની શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન વહેલી સવારે બાળકનો ક્ષત-વિક્ષત હાલતમાં જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમજ સ્થાનિક રહીશોમાં ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વાસંદાના ભીનાર ગામે રહેતા અરૂણ પટેલના અઢી વર્ષના પુત્ર આરવ પર તેની માતાની નજર સામે જ ખૂંખાર દીપડાએ શિકાર સમજીને અચાનક હુમલો કર્યો હતો. તેમજ પળભરમાં બાળકને ઉઠાવી અંધારામાં જંગલ તરફ ભાગી છૂટ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ગામના યુવાનો અને વનકર્મીઓએ હાથમાં મશાલ, ટોર્ચ અને લાકડા લઈને ભીનારના ગાઢ જંગલ વિસ્તારમાં બાળકની સઘન શોધખોળ આરંભી હતી. અંધારી રાતમાં જીવના જોખમે જંગલ ખૂંદવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ આરવ પટેલનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. એકના એક પુત્રનું મોત થતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી વન વિભાગે તાત્કાલિક જંગલ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા માટે 10 થી વધુ પાંજરાઓ ગોઠવી દીધા છે.
ધરમપુર, વલસાડ નોર્થ ફોરેસ્ટ ડિવિઝનના ACF બગીરથસિંહ ઝાલાએ જણાવ્યું કે, તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને સ્ટાફ પોલીસ વિભાગ સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયા હતા. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને આગળની ઇન્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પ્રોગ્રેસમાં છે. જે એનિમલ છે, તેને પકડવા માટે તાત્કાલિક પાંચ ટીમો બનાવી છે અને રેસ્ક્યૂ હાથ ધર્યું છે.


