Homeગુજરાતીખોરાકઘરમાં સરળતાથી બનાવો ચટપટી શક્કરીયાની ચાટ, જાણો બનાવવાની આસાન રીત

ઘરમાં સરળતાથી બનાવો ચટપટી શક્કરીયાની ચાટ, જાણો બનાવવાની આસાન રીત

ચાટનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. પરંતુ જો તમે દર વખતે બટાકા કે છોલેની ચાટ બનાવીને કંટાળી ગયા હોવ, તો આ વખતે કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરી શકો છો. શક્કરીયાની ચાટ સ્વાદમાં ચટપટી હોવાની સાથે બનાવવામાં પણ ખૂબ સરળ છે. બફેલા શક્કરીયામાં થોડા મસાલા, લીંબુનો રસ અને લીલી ચટણી ઉમેરીને તમે મિનિટોમાં આ સ્વાદિષ્ટ ચાટ તૈયાર કરી શકો છો. સાંજના સમયે હળવી ભૂખ લાગી હોય કે ઘરે અચાનક મહેમાનો આવી જાય, ત્યારે આ રેસિપી ખૂબ કામ આવી શકે છે.

  • જરૂરી સામગ્રી

2-3 મધ્યમ કદના શક્કરીયા
1 નાનું ડુંગળી (ઝીણી સમારેલી)
1 નાનું ટામેટું (ઝીણું સમારેલું)
1-2 લીલા મરચાં (ઝીણા સમારેલા)
2 ચમચી લીલી ચટણી
1 ચમચી લીંબુનો રસ
1/2 ચમચી શેકેલું જીરું પાવડર
1/2 ચમચી ચાટ મસાલો
1/4 ચમચી લાલ મરચું પાવડર
સ્વાદાનુસાર સંચળ (કાળું મીઠું) અને સાદું મીઠું
થોડી લીલી કોથમરી (ઝીણી સમારેલી)
1-2 ચમચી દાડમના દાણા

  • શક્કરીયાની ચાટ બનાવવાની આસાન રીત

સૌથી પહેલા શક્કરીયાને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લો જેથી તેના પર ચોંટેલી માટી નીકળી જાય. ત્યારબાદ તેને કૂકરમાં અથવા વાસણમાં પાણી ઉમેરીને બાફી લો. ધ્યાન રાખવું કે શક્કરીયા અતિશય બફાઈને ગળી ના જાય, નહીંતર ચાટ બનાવતી વખતે તેના ટુકડા તૂટી જશે. બફાયા પછી તેને થોડા ઠંડા થવા દો. પછી તેની છાલ ઉતારીને નાના-નાના ટુકડા કરી લો. એક મોટા બાઉલમાં સમારેલા શક્કરીયા લો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં ઉમેરો. ત્યારબાદ લીલી ચટણી, લીંબુનો રસ, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો, લાલ મરચું અને સંચળ ઉમેરો.

હવે બધી સામગ્રીને હળવા હાથે મિક્સ કરી લો. શક્કરીયાને વધારે જોરથી મિક્સ ન કરવા, નહીંતર તેનો માવો થઈ જશે. તૈયાર ચાટને પ્લેટમાં કાઢી લો. ઉપરથી લીલી કોથમરી અને દાડમના દાણા ભભરાવો. દાડમના દાણા ચાટને મીઠો સ્વાદ અને સરસ ટેક્સચર આપે છે. જો તમને વધુ ચટપટો સ્વાદ પસંદ હોય તો ઉપરથી થોડો વધુ ચાટ મસાલો અથવા લીંબુનો રસ ઉમેરી શકો છો.

  • કઈ રીતે સર્વ કરશો?

શક્કરીયાની ચાટ બનાવ્યા પછી તરત જ તાજી સર્વ કરવી વધુ ઉત્તમ રહે છે. તેને સાંજના સ્નેક, હળવી ભૂખ કે નાની ગેટ-ટુગેધર પાર્ટી માટે બનાવી શકાય છે. જો તમે ઈચ્છો તો તમારી પસંદગી મુજબ તેમાં દહીં, નાયલોન સેવ અથવા શેકેલી સીંગ પણ ઉમેરી શકો છો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular