ચેન્નાઈ, 23 નવેમ્બર 2026: કેરળના ઉગ્રાપુરમ વિસ્તારમાં રહેતી 17 વર્ષની કિશોરીને બ્યુટી ક્રીમના ઉપયોગથી કિડની ખરાબ થવા સહિતની ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે કિશોરી જે ક્રીમનો ઉપયોગ કરતી હતી, તેમાં અત્યંત ઊંચા પ્રમાણમાં પારો (મર્ક્યુરી) હાજર હતો. આ મામલે પોલીસે સંબંધિત કંપની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ, કિશોરીએ ઈન્સ્ટાગ્રામ પર ‘એફ ટ્યૂન’ નામની ક્રીમની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ક્રીમના ઉપયોગથી ચહેરાના ખીલ અને ડાઘ-ધબ્બા દૂર થશે તેમજ ત્વચા ચમકદાર બનશે. જાહેરાતથી પ્રભાવિત થઈને કિશોરીએ આ ક્રીમ ખરીદી હતી અને તેનો ઉપયોગ શરૂ કર્યો હતો. આરોપ છે કે ક્રીમમાં ભારે માત્રામાં પારો હતો, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. તેના ગંભીર જોખમોની જાણ હોવા છતાં કંપની દ્વારા ક્રીમમાં પારાની ભેળસેળ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ ક્રીમના ઉપયોગ બાદ કિશોરીની કિડનીને નુકસાન પહોંચ્યું હતું અને તેની સારવાર પાછળ અંદાજે એક લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
કાયદેસરની કાર્યવાહી અને તપાસના આદેશ
કિશોરીની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ક્રીમ બનાવતી કંપનીને આરોપી બનાવી ભારતીય ન્યાય સંહિતા, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ અને કેરળ પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, કેરળના આરોગ્ય મંત્રી કે. મુરલીધરને રવિવારે સમગ્ર રાજ્યમાં નકલી કોસ્મેટિક્સ અને પ્રોટીન પાઉડરની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે મંજૂરી વગરના આવા બ્યુટી અને હેલ્થ પ્રોડક્ટ્સ પાકિસ્તાન તેમજ મેંગલુરુ-કાસરગોડ વિસ્તારમાંથી આવી રહ્યા છે.
ગાયક સલીમ કોડાથૂરે પણ વ્યક્ત કર્યો અનુભવ
બ્યુટી પ્રોડક્ટ્સની આડઅસરનો ભોગ માત્ર સામાન્ય લોકો જ નહીં, પણ જાણીતા લોકો પણ બન્યા છે. ગાયક સલીમ કોડાથૂરે પણ દાવો કર્યો છે કે ત્વચા ગોરી કરવાની (સ્કિન-લાઈટનિંગ) ક્રીમના ઉપયોગથી તેમને કિડનીની ‘મેમ્બ્રેનસ નેફ્રોપેથી’ નામની બીમારી થઈ હતી. તેમણે જણાવ્યું કે આશરે 10 વર્ષ પહેલાં તેમને આ બીમારી થઈ હતી અને મહિનાઓ સુધી સારવાર ચાલી હતી. તબીબોના મતે, આવી ક્રીમના ઉપયોગથી શરીરમાં પારાનું પ્રમાણ ખતરનાક સ્તરે વધી જાય છે.








