Homeગુજરાતીદેશ-વિદેશએશિયા પાવર ઈન્ડેક્સ 2026: ભારત એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ

એશિયા પાવર ઈન્ડેક્સ 2026: ભારત એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ

નવી દિલ્હી, 23 નવેમ્બર 2026: લોવી ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જાહેર કરાયેલા ‘એશિયા પાવર ઈન્ડેક્સ 2026’ અનુસાર, ભારતે એશિયાના ત્રીજા સૌથી શક્તિશાળી દેશ તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. આ વર્ષે ભારતનો કુલ પાવર સ્કોર વધીને 40.5 અંક પર પહોંચી ગયો છે, જોકે તેની સાપેક્ષ આર્થિક ક્ષમતામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજા સ્થાને યથાવત રહ્યા છે.

રિપોર્ટ મુજબ, વર્ષ 2026માં એશિયા ક્ષેત્રમાં ભારતનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ વૃદ્ધિ પાછળ મજબૂત કૂટનીતિક સ્થિતિ, સંરક્ષણ સંબંધો, સાંસ્કૃતિક પહોંચ અને ભવિષ્યના સંસાધનોમાં થયેલો સુધારો મુખ્ય પરિબળો રહ્યા છે. ભારતનો આર્થિક ક્ષમતા (ઈકોનોમિક કેપેબિલિટી) સ્કોર થોડો ઘટીને 26.4 અંક થયો છે, તેમ છતાં ભારત આ શ્રેણીમાં ત્રીજા સ્થાને જળવાઈ રહ્યું છે. લોવી ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, આ ઘટાડા પાછળ રૂપિયાની નબળાઈ, અર્થતંત્રોને માપવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળની કાર્યપદ્ધતિમાં થયેલા ફેરફારો અને વિદેશમાં થતા રોકાણ (આઉટબાઉન્ડ ઈન્વેસ્ટમેન્ટ) માં આશરે 20 અબજ અમેરિકી ડોલરનો ઘટાડો જવાબદાર છે.

આર્થિક પડકારો છતાં ભારતના ‘ફ્યુચર રિસોર્સિસ’ (ભવિષ્યના સંસાધનો) નો સ્કોર વધીને 56.2 અંક થયો છે, જે દેશના ઉજ્જવળ આર્થિક પૂર્વાનુમાન અને ભવિષ્યની તકો દર્શાવે છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, “વર્ષ 2026માં ભારતની અર્થવ્યવસ્થા અને કૂટનીતિના મિશ્ર પરિણામો રહ્યા હોવા છતાં એશિયામાં ભારતનો પ્રભાવ વધ્યો છે.” 70.3 અંકના સ્કોર સાથે ‘કૂટનીતિક પ્રભાવ’ (ડિપ્લોમેટિક ઈન્ફ્લુઅન્સ) ભારતનું સૌથી મજબૂત પાસું બની રહ્યું છે. પ્રાદેશિક નેતૃત્વની બાબતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૂલ્યાંકનમાં મોટો સુધારો જોવા મળ્યો છે. તેઓ 3 સ્થાનની છલાંગ લગાવીને એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી પ્રાદેશિક નેતા બન્યા છે. આ યાદીમાં તેઓ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગથી માત્ર એક જ સ્થાન પાછળ છે.

ભારતે પોતાના આર્થિક સંબંધો પણ મજબૂત કર્યા છે અને 2 સ્થાન ઉપર ચઢીને 7મા ક્રમે પહોંચી ગયું છે. પ્રાદેશિક વ્યાપાર અને રોકાણ સંબંધોમાં સ્થિરતાને કારણે ભારત અન્ય ઘણા દેશો કરતાં વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત, ‘સંરક્ષણ નેટવર્ક’ (ડિફેન્સ નેટવર્ક્સ) ના મામલે ભારતનો સ્કોર વધીને 18.6 અંક થયો છે, જેનાથી ભારત 9મા સ્થાને પહોંચ્યું છે. આ સફળતામાં પ્રાદેશિક સંરક્ષણ સહયોગમાં વધારો અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને બ્રહ્મોસ મિસાઈલોના વેચાણનું મોટું યોગદાન રહ્યું છે.

દેશના ‘સાંસ્કૃતિક પ્રભાવ’ (કલ્ચરલ ઈન્ફ્લુઅન્સ) નો સ્કોર વધીને 43.8 અંક થયો છે. સાંસ્કૃતિક પ્રસાર, માહિતીના પ્રવાહ અને લોકો વચ્ચેના પરસ્પર આદાન-પ્રદાનમાં સુધારો થવાથી વર્ષ 2023 બાદ પ્રથમ વખત ભારતે પોતાના ‘ઉપલબ્ધ સંસાધનો’ અને ‘એશિયામાં પ્રભાવ’ વચ્ચેનું અંતર ઘટાડ્યું છે. ભવિષ્યના સંસાધનોના સ્કોરમાં થયેલા સુધારાને જોતા કહી શકાય કે ભારત આગામી સમયમાં પણ એશિયામાં પોતાનો વધતો પ્રભાવ જાળવી રાખવામાં સફળ રહેશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img