અત્યારના આધુનિક સમયમાં મોડી રાત સુધી મોબાઈલ કે સ્ક્રીનનો ઉપયોગ, કામનું વધતું તણાવ અને ખોરવાયેલી દિનચર્યાના કારણે લોકોના ઊંઘવાના સમયમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઘણા લોકો દરરોજ માત્ર 5 થી 6 કલાક ઊંઘ લઈને તેને સામાન્ય ગણે છે. પરંતુ નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન મળવી એ માત્ર દિવસભરનો થાક નથી વધારતી, પરંતુ હૃદયના આરોગ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.
ઉંઘ દરમિયાન શરીર પોતે રિપેરિંગ મોડમાં જાય છે અને ઘણી મહત્વપૂર્ણ શારીરિક પ્રક્રિયાઓ પૂર્ણ થાય છે. ‘અમેરિકન હાર્ટ એસોસિએશન’ના અહેવાલ મુજબ, ઊંઘનો સમયગાળો, તેની ગુણવત્તા અને અનિયમિતતાનો સીધો સંબંધ હૃદય રોગ, હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓ સાથે જોડાયેલો છે.
ઓછી ઊંઘથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ
ઊંડી અને સારી ઊંઘ દરમિયાન આપણું શરીર સંપૂર્ણ આરામની સ્થિતિમાં હોય છે અને સામાન્ય રીતે બ્લડ પ્રેશર કુદરતી રીતે ઘટે છે. પરંતુ જો ઊંઘ વારંવાર ઊડી જતી હોય કે પૂરતી ન મળતી હોય, તો આ કુદરતી પ્રક્રિયા ખોરવાય છે. લાંબા સમય સુધી પૂરતી ઊંઘ ન લેવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે, જે આગળ જતાં હૃદય અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે.
પુખ્ત વયના લોકો માટે 7 કલાકની ઊંઘ અનિવાર્ય
દરેક પુખ્ત વયની વ્યક્તિએ રાત્રે ઓછામાં ઓછી ૭ કલાકની શાંત ઊંઘ લેવી જરૂરી છે. ક્યારેક ઓછી ઊંઘ લેવી એ મોટી બાબત નથી, પરંતુ જો તે રોજિંદી આદત બની જાય તો ચેતી જવું જરૂરી છે. ઊંઘના કલાક ઉપરાંત તે કેટલી ઊંડી અને અવિરત છે, તે બાબત પણ હૃદય માટે એટલી જ મહત્વની છે.
ઘોરવાની આદતને હળવાશથી ન લો
ખૂબ જોરથી ઘોરવું, રાત્રે વારંવાર ઊંઘ ઊડી જવી કે ઊંઘમાં શ્વાસ રૂંધાવો એ ‘સ્લીપ એપનિયા’ (Sleep Apnea) ના લક્ષણો હોઈ શકે છે. આ સ્થિતિમાં ઊંઘ દરમિયાન શ્વાસ લેવામાં વારંવાર અવરોધ ઊભો થાય છે, જે હૃદય પર વધારાનું દબાણ લાવે છે. આવા લક્ષણો દેખાય તો તુરંત જ તબીબી સલાહ લેવી જોઈએ.
ગાઢ ઊંઘ મેળવવા માટે અપનાવો આ આદતો
-
ચોક્કસ સમયપત્રક: દરરોજ સોવાના અને જાગવાના સમયમાં નિયમિતતા જાળવો.
-
સ્ક્રીન ટાઈમ ઘટાડો: રાત્રે સૂતા પહેલા મોબાઈલ, ટીવી કે લેપટોપનો ઉપયોગ બંધ કરો.
-
કસરત અને તડકો: દિવસ દરમિયાન હળવી શારીરિક કસરત કરો અને સવારના કુદરતી તડકામાં સમય વિતાવો.
-
બેડરૂમનું વાતાવરણ: રૂમને શાંત, અંધકારમય અને આરામદાયક રાખો.


