ગાંધીનગર, 7 ઑક્ટોબર, 2026 – ‘Seva Jyoti Kalash Yatra’ and ‘Viksit Bharat Sankalp Sabha’ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી તરીકે આજે જાહેરજીવનમાં અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થતાં સેવા અને સમર્પણની આ ઐતિહાસિક યાત્રા અંતર્ગત આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અન્વયે આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની અવિરત જનસેવા, સુશાસન અને રાષ્ટ્રનિર્માણની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ને સંબોધન કર્યું હતું, જેનું ગુજરાત સહિત દેશભરમાં જિલ્લા અને મહાનગરોમાં યોજાયેલા કાર્યક્રમોમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધન બાદ દેશભરમાં વિવિધ સ્થાનોએ આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ દ્વારા સેવા જ્યોતના પ્રજ્જવલન બાદ સેવા જ્યોતિ યાત્રાનો પ્રારંભ થયો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત દેશવાસીઓનો આભાર વ્યક્ત કરતાં કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે વિચાર્યું નહોતું કે ક્યારેય આ સમય પણ આવશે. આજે હેડ ઓફ ધ ગવર્મેન્ટના રૂપમાં સતત સેવા કરતા ૨૫ વર્ષ પૂર્ણ થયા. તેમણે આ ૨૫ વર્ષની યાત્રાને જનતાજનાર્દનના સતત આશીર્વાદનું પરિણામ ગણાવી દેશની જનતાના ચરણોમાં શીશ નમાવીને નમન કર્યું હતું.
વડનગરની શાળાના દિવસોને યાદ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, બાળપણથી જ શીખવાની ધગશ તેમના જીવનનો હિસ્સો બની ગઈ હતી અને આજે પણ તેઓ પોતાને એક વિદ્યાર્થી જ માને છે. તેમણે કહ્યું હતું કે, રોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરું છું. તેમણે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું કે તેમની શીખવાની શક્તિ ક્યારેય ઓછી ન થાય, કારણ કે તેઓ જેટલું શીખશે એટલી જ દેશ માટે કંઈક કરવાની શક્તિ વધશે.

૨૫ વર્ષની યાત્રા તરફ પાછા વળીને જોતા માત્ર કૃતજ્ઞતાનો ભાવ અનુભવાતો હોવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જીતાડનારાઓએ વિનમ્ર બનતા શીખવ્યું, પછાડનારાઓએ ફરી ઊભા થતા શીખવ્યું, શુભચિંતકોએ પ્રોત્સાહન આપ્યું અને આલોચકોએ આત્મચિંતન કરતાં શીખવ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક સંકટ તેમના ધૈર્યની પરીક્ષા બન્યું, સફળતાએ જવાબદારી વધારી અને દરેક સિદ્ધિએ મોટા લક્ષ્ય તરફ આગળ વધવાનું સાહસ શીખવ્યું.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયને યાદ કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ત્યારે તેમની પાસે સરકાર ચલાવવાનો કે તંત્રની વ્યવસ્થાનો અનુભવ નહોતો, પરંતુ જનતા અને જનશક્તિ પર વિશ્વાસ હતો. તેમણે જનતાને સાથે રાખીને નીતિઓ બનાવવાનો અને તેનો અમલ કરવાનો માર્ગ અપનાવ્યો હતો. જ્યારે જનતા સાથે હોય તો પરિણામ આવે જ છે, તેમ જણાવતાં તેમણે ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે પરિસ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. અગાઉ સંકટ સમયે ભારતની અર્થવ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત થતી હતી, જ્યારે આજે સંકટ સમયે ભારતના સામર્થ્ય અને રિઝિલિયન્સની ચર્ચા થાય છે. અગાઉ પોલિસી પેરાલિસિસની ચર્ચા થતી હતી, જ્યારે આજે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મની દિશામાં ચર્ચા થાય છે. આયાત પર નિર્ભરતા સામે આજે નિકાસના નવા રેકોર્ડની વાત થાય છે અને મોબાઇલ ફોન ક્ષેત્રમાં “મેડ ઇન ઇન્ડિયા”ની શક્તિ દેખાઈ રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, આજે વિશ્વમાં ભારતીય પાયલટની ચર્ચા થાય છે અને એક દિવસ એવો પણ આવશે જ્યારે દુનિયા મેડ ઇન ઇન્ડિયા પ્લેનની ચર્ચા કરશે. તેમણે દેશની યુવા શક્તિને ભારતના ભવિષ્યની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજનો સમય આરામ કરવાનો નહીં પરંતુ વિચારો અને પરિશ્રમ સાથે આગળ વધવાનો છે. તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં સમસ્યા છે, તેની સામે ૧૪૦ કરોડ સમાધાન છે.
ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના સૌ નાગરિકો અને ભાજપાના લાખો કાર્યકર્તાઓ માટે અવિસ્મરણીય દિવસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના આ અવસરે તેમને કોટિ કોટિ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સંઘર્ષથી સંકલ્પ, સંકલ્પથી સિદ્ધિ અને જનસેવાથી રાષ્ટ્રસેવાની આ અવિરત યાત્રામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જનસેવાને જીવનનો ધ્યેય બનાવી દેશના ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને કેન્દ્રમાં રાખીને વિકાસની નવી દિશા આપી છે.
આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ, મહિલા સશક્તિકરણ, કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત સહિતની અનેક પહેલો દ્વારા દેશના છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવવાનું કાર્ય થયું છે. કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ, મહાકાલ કોરિડોર, નેશનલ વોર મેમોરિયલ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા રાષ્ટ્રીય ગૌરવના કાર્યો સાથે દેશની સુરક્ષા, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વિરાસતને નવી ઊંચાઈ મળી છે. આજે સમગ્ર દેશ શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની સેવા અને સમર્પણની યાત્રાને નમન કરી રહ્યો છે અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા તેમના દીર્ઘ, યશસ્વી અને સ્વસ્થ જીવન માટે શુભકામનાઓ પાઠવી રહ્યો છે.


