નવી દિલ્હી, 07 ઓગસ્ટ 2026: US court imposes fine on Meta ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની મૂળ કંપની ‘મેટા’ને અમેરિકાની એક અદાલતમાં મોટો ફટકો પડ્યો છે. ન્યૂ મેક્સિકોની એક અદાલતે બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવા અને સુરક્ષાના ધોરણોની અવગણના કરવા બદલ મેટા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામ) પર 567 મિલિયન ડોલર (આશરે ₹5,390 કરોડ)નો દંડ ફટકાર્યો છે.
ન્યાયાધીશ બ્રાયન બીડશેડે જણાવ્યું હતું કે કંપનીએ બાળકોની સુરક્ષા કરતાં નફાને વધુ મહત્વ આપ્યું હતું, જેના પરિણામે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી હતી. અદાલતે નિર્દેશ આપ્યો હતો કે દંડની મોટાભાગની રકમનો ઉપયોગ યુવાનોની સારવાર માટે કરવામાં આવે, જ્યારે બાકીની રકમ આગામી પાંચ વર્ષ દરમિયાન જાગૃતિ અને નિવારણ, તપાસ (સ્ક્રીનિંગ) સેવાઓ અને અન્ય ખર્ચાઓ પાછળ ખર્ચવામાં આવે.
અમેરિકામાં પ્રથમ વખત આવી કાર્યવાહી
નોંધનીય છે કે કોઈ યુ.એસ. રાજ્ય દ્વારા કોઈ મોટી ટેક કંપની સામે આવી કાર્યવાહી કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. કોર્ટે કંપનીને જવાબદાર ઠેરવતા આ ચુકાદો આપ્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર, 567 મિલિયન ડોલરના સમાધાનની રકમમાંથી 420 મિલિયન ડોલર યુવાનોની સારવાર પાછળ ખર્ચવામાં આવશે.
બે તબક્કામાં લેવામાં આવ્યો આ નિર્ણય
આ નવો ચુકાદો કેસના પ્રથમ તબક્કા દરમિયાન મેટા (Meta) પર લાદવામાં આવેલા 375 મિલિયન ડોલરના દંડ ઉપરાંતનો છે. આ બંનેને મળીને હવે કુલ દંડની રકમ 942 મિલિયન ડોલર થઈ ગઈ છે.
પ્રથમ તબક્કા દરમિયાન, જ્યુરીએ તારણ કાઢ્યું હતું કે કંપનીએ જાણીજોઈને બાળકોના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યું હતું અને તેના પ્લેટફોર્મ પર બાળકોના જાતીય શોષણ અંગેની માહિતી છુપાવી હતી. આ માટે મેટા પર 375 મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
દરમિયાન, બીજા તબક્કામાં સરકારી વકીલોએ ન્યાયાધીશને મેટા (Meta) માં નોંધપાત્ર ફેરફારો ફરજિયાત બનાવવાની વિનંતી કરી. તેનો ઉદ્દેશ્ય વ્યસનકારક સુવિધાઓ પર નિયંત્રણ મૂકવાનો, વયની ચકાસણીમાં સુધારો કરવાનો અને કડક દેખરેખ તથા ‘ડિફોલ્ટ’ પ્રાઇવસી સેટિંગ્સ દ્વારા બાળકોના જાતીય શોષણને અટકાવવાનો છે.

