1. Home
  2. ગુજરાતી
  3. RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે કર્યો સંવાદ
RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે કર્યો સંવાદ

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતે જેન-ઝી અને જેન-આલ્ફા સાથે કર્યો સંવાદ

0
Social Share

મુંબઈ, 7 ઓગસ્ટ 2026: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તાજેતરમાં મુંબઈ ખાતે જેન-ઝી અને જેન-આલ્ફા (આજના યુવાનો અને વિદ્યાર્થીઓ) સાથે આ લગભગ એક કલાક સુધી ખુલીને સંવાદ કર્યો હતો. આ બેઠક દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા જંતર-મંતર પ્રોટેસ્ટ, લાઠીચાર્જ, પેલેટ ગન, અનામત (આરક્ષણ) અને સેમ સેક્સ મેરેજ જેવા અનેક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બેધડક જવાબો આપ્યા હતા. સંઘ પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજના યુવાનોમાં જે ગુસ્સો જોવા મળે છે તે અસલી છે અને આપણી શિક્ષણ પ્રણાલીમાં મોટા સુધારાની તાતી જરૂરિયાત છે.

  • યુવાનોને વિરોધ કરવાનો પૂરો અધિકાર

મોહન ભાગવતે જણાવ્યું કે આજની યુવા પેઢી તાર્કિક જવાબો ઈચ્છે છે. વડીલો કહે તે આંખો બંધ કરીને માની લેવું જોઈએ તેવી જૂની માનસિકતા હવે આ પેઢી પર લાગુ પડતી નથી. તેમણે કહ્યું કે યુવાનોને વિરોધ કરવાનો પૂરો અધિકાર છે અને જ્યારે તેઓ પોતાની વાત રજૂ કરે ત્યારે આપણે તેમને સાંભળવા જ જોઈએ. યુવાનો દેશના ભવિષ્ય અને આપણા પોતાના જ સ્વજનો છે, તેથી તેમને ક્યારેય દેશવિરોધી ન કહી શકાય. આજના યુવાનો સૌથી વધુ દેશભક્ત અને પ્રમાણિક છે.

વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અંગે ભાગવતે કહ્યું કે આવું કેમ બન્યું તેનું સાચું કારણ જાણવું ખૂબ જરૂરી છે. અખબારોમાં છપાયા મુજબ તેમાં કેટલાક ઉપદ્રવીઓ પણ સામેલ હતા. તેમણે સ્વીકાર્યું કે, આપણી પાસે આ ઘટનાની સંપૂર્ણ અને સચોટ માહિતી નથી, પરંતુ જો મારે આંખો બંધ કરીને કોઈના પર ભરોસો કરવો હોય, તો હું નિઃસંકોચ Gen Z પર ભરોસો કરીશ.

આરક્ષણ અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે આપણે ડૉ. બાબાસાહેબ આંબેડકરની વિચારધારા અપનાવવી જોઈએ. જ્યાં સુધી સમાજમાં અસમાનતા અને ભેદભાવ અદૃશ્ય નહીં થાય, ત્યાં સુધી અનામત ચાલુ રહેવી જોઈએ. આ મુદ્દે કોઈ રાજકારણ ન થવું જોઈએ કારણ કે રાજકારણથી સમાજમાં એકતાને બદલે ભાગલા પડે છે. મોહન ભાગવતે ઉમેર્યું કે જે પરિવારોએ અનામતનો લાભ લઈને પોતાની આર્થિક-સામાજિક સ્થિતિ સુધારી લીધી છે, તેમણે હવે આ તક અન્ય વંચિતોને પણ મળે તે માટે આગળ આવવું જોઈએ. સમાજમાંથી જ હવે આવી સકારાત્મક અવાજો ઉઠી રહી છે.

  • LGBTQ સમુદાય અને સેમ સેક્સ મેરેજ

સમલૈંગિક લગ્ન અને સંઘના વિરોધ અંગે વાત કરતા સંઘ પ્રમુખે સ્પષ્ટ કર્યું કે LGBTQ સમુદાય પણ આપણા જ સમાજનો એક અભિન્ન હિસ્સો છે. આપણો સમાજ સદીઓથી કેટલીક સ્થાપિત વ્યવસ્થાઓ અને પરંપરાઓ અનુસાર ચાલે છે. લગ્ન એ એક સામાજિક સંસ્થા છે અને પરિવાર એ સમાજનો પાયો છે. પરિવાર જ આવનારી પેઢીના નાગરિકોનું ઘડતર કરે છે. જો કોઈ નક્કર નવી વ્યવસ્થા ઊભી કર્યા વગર જૂની સિસ્ટમમાં અચાનક ફેરફાર કરવામાં આવે તો સમાજમાં ટકરાવ પેદા થઈ શકે છે. સમાજ પોતે કાયદા નક્કી કરે છે. આ વિષયમાં દ્રષ્ટિકોણ બદલવાની અને યોગ્ય સામાજિક પદ્ધતિઓ અપનાવવાની જરૂર છે, જેને સમાજ સ્વીકારી શકે.

  • પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો

પડોશી દેશો વિશે બોલતા તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીન આપણા પડોશી છે અને આ સમસ્યાઓના ઉકેલ માટે આપણે હંમેશાં વાતચીતનો રસ્તો શોધવો જ જોઈએ, પરંતુ જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ હોય ત્યારે તેમાં આતંકવાદ સંકળાયેલો હોવાથી આપણે સૌએ દેશની સરકારની પડખે ઊભા રહેવું જોઈએ. ચીન વિશે વાત કરતા તેમણે કહ્યું કે ચીન પણ સ્વીકારે છે કે ભારતે તેને હજારો વર્ષ પહેલાં સાંસ્કૃતિક મૂલ્યો શીખવ્યા હતા. પાકિસ્તાન પણ આપણા જ દેશનો એક ભાગ હતો, તેથી આ સમસ્યાનો ઉકેલ ભારત પાસે જ છે. ભારત ક્યારેય કોઈનું અશુભ ઇચ્છતું નથી. વિવાદ ગમે તેટલો હોય, પરંતુ લાંબા ગાળે વાતચીત અનિવાર્ય છે કારણ કે પાકિસ્તાન હંમેશાં આપણું દુશ્મન બનીને નહીં રહી શકે.

  • “રોજગાર નાનો કે મોટો નથી હોતો”

બેરોજગારીના પ્રશ્ન પર એક પ્રેરણાયુક્ત ઉદાહરણ આપતા તેમણે પાન વેચનાર એક વ્યક્તિની વાત કરી, જેણે પોતાની સખત મહેનતના બળે 29 લાખ રૂપિયાની સંપત્તિ ઊભી કરી હતી. તેમણે કહ્યું કે દરેક યુવાનને સરકારી નોકરી મળવી અશક્ય છે. જ્યાં સુધી આપણે કોઈપણ કામ કે નોકરીને ‘મોટી’ કે ‘નાની’ નજરથી જોવાનું બંધ નહીં કરીએ, ત્યાં સુધી આર્થિક કે બેરોજગારીની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે. સખત મહેનત વગર આર્થિક સફળતાની અપેક્ષા રાખવી યોગ્ય નથી.

  • RSSમાં મહિલાઓની ભૂમિકા

સંઘમાં મહિલાઓની ભાગીદારી અંગે પૂછવામાં આવેલા સવાલ પર તેમણે જણાવ્યું કે સંઘે મહિલાઓ માટે અલગ વિંગ (શાખા) બનાવી છે. મુખ્ય સંસ્થામાં પણ મહિલાઓ પાયાના સ્તરે (ગ્રાઉન્ડ લેવલ) સક્રિયપણે કામ કરી રહી છે. તેમના વિચારો અને મંતવ્યોને યોગ્ય મહત્વ આપવામાં આવે છે અને તેના પર ગંભીરતાથી ચર્ચા-વિચારણા પણ થાય છે. સંઘના તમામ પ્રોજેક્ટ્સમાં મહિલાઓ પુરુષોની સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે.

  • સોશિયલ મીડિયા અને AI (કૃત્રિમ બુદ્ધિમત્તા) અંગે ચેતવણી

આજના સોશિયલ મીડિયા અને ટેકનોલોજી યુગ પર ચિંતા વ્યક્ત કરતા ભાગવતે કહ્યું કે ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ Gen Z અને Gen Alpha પર ભારે પ્રભાવ પાડે છે. સોશિયલ મીડિયા પર આપણા ફોલોઅર્સ આપણા કાર્યોમાંથી સારી અને ખરાબ બંને પ્રકારની આદતો શીખતા હોય છે, તેથી આપણે જવાબદાર બનવું પડશે. આજના યુગમાં AIનો ઉપયોગ કરીને મોટા પ્રમાણમાં ફેક કન્ટેન્ટ (ખોટી સામગ્રી) બનાવવામાં આવી રહી છે. આ અંગે કોઈપણ વાતની સત્યતા ચકાસવી ખૂબ જ જરૂરી છે. આ બાબતે યુવાનો અને સમગ્ર સમાજે સ્વયંશિસ્ત કેળવવી પડશે તો જ આ સમસ્યા પર કાબૂ મેળવી શકાશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code