વડોદરા, 26 સપ્ટેમ્બર,2026 : A mischievous monkey was finally put in a cage શહેરના નિઝામપુરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી તોફાની વાનરે તરખાટ મચાવ્યો હતો. તોફાની વાનરે ત્રણ લોકોને બચકા ભરીને ઘાયલ કર્યા હતા. અને રોડ પર આવતા જતા લોકો પર હુમલો કરતો હતો. નિઝામપુરામાં આવેલી અંબિકાવિજય સોસાયટી અને રામનગર સોસાયટીના રહીશો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. આથી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને ભારે જહેમત બાદ તોફાની વાનરને પાંજરે પુરવામાં સફળતા મળી હતી.
શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલી અંબિકાવિજય સોસાયટી અને રામનગર સોસાયટીના રહીશો તોફાની વાનરના ત્રાસથી ભારે પરેશાન બન્યા હતા. તોફાની વાનર રોડ પર જતા-આવતા લોકોને બચકા ભરતો હતો. જેના કારણે સ્થાનિક રહીશો, વૃદ્ધો અને બાળકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ ટેરિટરી ફાઇટ એટલે કે પોતાના વિસ્તાર પર પ્રભુત્વ મેળવવાની લડાઈમાં આ વાનર અત્યંત હિંસક બની ગયો હતો. આક્રમક બનેલા વાનરે વિસ્તારના ત્રણ લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ઘટના અંગે સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા જ રેસ્ક્યુ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગની મદદથી ટીમે વાનરને પકડવા માટે વ્યૂહાત્મક આયોજન કરીને પાંજરું ગોઠવ્યું હતું.
વાનરને રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યંત પડકારજનક અને જોખમી સાબિત થઈ હતી. રેસ્ક્યુ કામગીરી દરમિયાન હિંસક બનેલા વાનરે વન વિભાગના રેસ્ક્યુઅર પર પણ હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. આમ છતાં, વન વિભાગના કર્મચારીઓએ હિમ્મત હાર્યા વગર સતત 6 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આખરે 6 કલાકની લાંબી મથામણ બાદ વન વિભાગની ટીમે વાનરને પાંજરે પૂરી લેવામાં સફળતા મેળવી હતી.


