મોરબી, 26 સપ્ટેમ્બર,2026 : 4 youths drowned during Ganesh immersion in Machhu river જિલ્લાના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ગુરૂવારે રાત્રે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવકો ડુબી જતા ગ્રામજનો દોડી આવ્યા હતા. આ બનાવની જાણ કરાતા ફાયર જવાનોએ દોડી આવીને તાત્કાલિક સફળ રેસ્ક્યુ કરીને બે યુવાનોને સહીસલામત બહાર કાઢી લીધા હતા. ફાયર વિભાગે નદીના પાણીમાં શોધખોળ કરતા મોડી રાત્રે એક યુવાનનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ શુક્રવારે બપોરે બીજા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. આમ બે યુવાનોના મોતથી ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, મોરબી નજીકના પીપળી ગામથી સાદુળકા ગામ પાસે આવેલી મચ્છુ નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે યુવકોનું ગ્રુપ પહોંચ્યું હતું. વિસર્જનની પ્રક્રિયા દરમિયાન અચાનક ચાર યુવાનો નદીના ઊંડા પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયરના જવાનો દોડી આવ્યા હતા. અને પાણી વચ્ચે ફસાયેલા આકાશ માલિયા અને આકાશ ગજાનનભાઈ નામના બે યુવાનોને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક હેમખેમ બહાર કાઢી લીધા હતા. જોકે, પાણીના ઊંડા વહેણમાં ગરકાવ થઈ ગયેલા સોહન રામ અને વિલાસ નામના બે યુવાનોને ભારે જહેમત બાદ મૃત મળી આવ્યા હતા. પોલીસે બન્ને મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, “ગુરૂવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ મોરબી ફાયર કંટ્રોલ રૂમને કોલ મળ્યો હતો કે જુના સાદુળકા પાસે આવેલી મચ્છુ નદીમાં ગણપતિ વિસર્જન દરમિયાન 4 લોકો ફસાયા છે. કોલ મળતા જ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી 2 વ્યક્તિઓને સહીસલામત બચાવી લીધા હતા, જ્યારે 2 વ્યક્તિઓ પાણીમાં ડૂબી ગયા હતા.


