સુરત, 26 સપ્ટેમ્બર,2026 : Three youths die after boat capsizes during Ganesh immersion in Tapi river જિલ્લાના કામરેજ વિસ્તારના ધોરણ પારડીની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા યુવકોની નાવડી અચાનક પલટી જતાં પાંચ યુવકો નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જો કે, સ્થાનિક લોકો અને ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ બે યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણ યુવાનોના ડૂબી જતા મોત નિપજ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, કામરેજ વિસ્તારના ધોરણ પારડીની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં ગણેશ વિસર્જન માટે કેટલાક યુવકો નાવડીમાં બેસીને નદીમાં વચ્ચે ગયા હતા. તે દરમિયાન અચાનક નાવડી સંતુલન ગુમાવી દેવાથી પલટી ગઈ હતી, જેના કારણે નાવડીમાં સવાર પાંચેય યુવકો તાપી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર સ્થાનિકોએ ડૂબેલા યુવકોને બચાવવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો. સાથે જ તેમણે 108 અને 112 પર કોલ કરીને મદદ માગી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે આવે તે પહેલા સ્થાનિક લોકોએ ડૂબેલા 4 યુવકોને બહાર કાઢ્યા હતા અને ફાયર વિભાગે શોધખોળ આદરી હતી જેમાં અન્ય એક યુવક પણ મળી આવ્યો હતો. બાદમાં અસરગ્રસ્તોને સારવાર માટે નજીકમાં આવેલી દિનબંધુ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા જ્યારે બે યુવકોનો બચાવ થયો હતો.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ તાપી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી મેર રાજુભાઈ લાલાભાઈ, શિયાળિયા દાનાભાઈ સુખાભાઈ અને સાદુલભાઈ ભુલાભાઈ મેરના મોત નિપજ્યા હતા. ત્રણેય મૃતકો કામરેજની ગુરુકૃપા સોસાયટીના રહેવાસી હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ પાંચ પૈકી 4 યુવકોને બેભાન અવસ્થામાં નદીમાંથી બહાર કાઢી લીધા હતા. જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેને કામરેજ ફાયર વિભાગની ટીમે ભારે શોધખોળ બાદ બહાર કાઢ્યો હતો.
કામરેજ ફાયર ઓફિસર બિપીન ખલાસી એ જણાવ્યું હતું કે, “ગણપતિ વિસર્જન કરવા આવેલા યુવકો ડૂબી ગયા હતા. અમને આ ઘટનાની જાણ થતા અમે બચાવ માટે અહીં આવી પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ ચાર વ્યક્તિને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા અને એક વ્યક્તિ ડૂબેલો હતો જેની અમારી ટીમે ઘટનાસ્થળે આવી બહાર કાઢ્યો છે, જે જાળીમાં ફસાઈ ગયો હતો. હાલ તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જવાયો હતો.


