ન્યૂયોર્ક, 25 સપ્ટેમ્બર 2026: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રમાં ભાગ લેવા પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને આતંકવાદી હાફિઝ સઈદના મુદ્દે ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પ્રવેશ કરતી વખતે પત્રકારોએ તેમને સીધો સવાલ કર્યો હતો કે પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપવાનું ક્યારે બંધ કરશે. જોકે, શહબાઝ શરીફે આ સવાલનો કોઈ જવાબ આપ્યો ન હતો અને આગળ વધી ગયા હતા. બાદમાં જ્યારે તેઓ યુએન હેડક્વાર્ટરમાંથી બહાર નીકળ્યા ત્યારે ફરી એકવાર તેમને પૂછવામાં આવ્યું કે લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ પર ક્યારે કેસ ચલાવવામાં આવશે? આ સવાલ પર પણ તેઓ મોં છુપાવીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
શહબાઝ શરીફને પુછાયેલા બંને સવાલો સીધા પાકિસ્તાનમાં આતંકવાદ અને હાફિઝ સઈદ સામેની કાર્યવાહી સાથે જોડાયેલા હતા. પહેલો સવાલ હતો, ‘વડાપ્રધાન, તમે આતંકવાદીઓને શરણ આપવાનું ક્યારે બંધ કરશો?’ જેનો શહબાઝે કોઈ ઉત્તર ન આપ્યો. યુએનમાંથી બહાર નીકળતી વખતે બીજો સવાલ પૂછવામાં આવ્યો, ‘લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઈદ પર ક્યારે કેસ ચલાવશો?’ આ વખતે પણ પાકિસ્તાની વડાપ્રધાન મૌન સેવીને આગળ વધી ગયા. આ ઘટનાક્રમે યુએનમાં પાકિસ્તાનના આતંકવાદ સંબંધિત રેકોર્ડ અને હાફિઝ સઈદ પર કાર્યવાહીના મુદ્દાને ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં લાવી દીધો છે.
-
કોણ છે હાફિઝ સઈદ અને ભારત કેમ ઈચ્છે છે કાર્યવાહી?
હાફિઝ મોહમ્મદ સઈદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધાનો રહેવાસી છે અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક અને પ્રમુખ છે. ભારતે તેને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. 26/11ના મુંબઈ આતંકી હુમલામાં પણ તેનું નામ મુખ્ય આરોપી તરીકે નોંધાયેલું છે. આ ઉપરાંત, એપ્રિલ 2025માં પહલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હાફિઝ સઈદને આરોપી બનાવ્યો છે. NIAએ જુલાઈ 2026માં દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં તેના પર વ્યક્તિગત રીતે અને લશ્કર-એ-તૈયબા તથા તેના સહયોગી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ના પ્રમુખ તરીકે ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે.
22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિકને નિશાન બનાવ્યા હતા, જેમાં 26 લોકોના મોત થયા હતા. આ હુમલાની વ્યાપક તપાસ બાદ NIA દ્વારા દાખલ કરવામાં આવેલી સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં લશ્કર ચીફ હાફિઝ સઈદને આરોપી દર્શાવાયો છે. તપાસ એજન્સીએ તેના પર હુમલાના વ્યાપક ષડયંત્રમાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો આરોપ મૂક્યો છે. આ જ કારણસર યુએનમાં શહબાઝ શરીફને પૂછાયેલો સવાલ અત્યંત મહત્વનો બની જાય છે કારણ કે ભારતીય તપાસ એજન્સી લાંબા સમયથી પાકિસ્તાન પાસે આ ખુંખાર આતંકી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહી છે.


