ડિંડિગુલ, 20 નવેમ્બર 2026: તમિલનાડુના ડિંડિગુલ જિલ્લામાં, કોડાઈકેનાલ-પલાની ઘાટ રોડ પર આવેલા સવારિક્કાડુ નજીક રાત્રે એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 24 મુસાફરોને લઈ જઈ રહેલી એક મિની બસ 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે અને અન્ય કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ડિંડિગુલના સાંસદ સચિથાનંદમે સમાચાર એજન્સી ANIને ફોન પર આ મૃત્યુની પુષ્ટિ કરી છે.
લગ્ન સમારંભમાંથી પાછા ફરી રહ્યા હતા મુસાફરો
અહેવાલો અનુસાર, આ ઘટના રાત્રે બની હતી. બસમાં સવાર તમામ મુસાફરો પલાની અને ઉદુમલાઈપેટના મદીના નગરના રહેવાસી હતા. તેઓ કોડાઈકાનલ નજીક મૂંજિક્કલ ખાતે લગ્ન સમારંભ અને લગ્ન પછીના ઉત્સવોમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા.
અકસ્માત કેવી રીતે થયો અને બચાવ કામગીરી
ઉપલબ્ધ માહિતી અનુસાર, પહાડી રસ્તા પર ડ્રાઈવરે અચાનક વાહન પરથી કાબૂ ગુમાવી દીધો, જેના કારણે મિની બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ અને 100 ફૂટ ઊંડી ખીણમાં જઈ પડી.
અકસ્માત અંગેની જાણકારી મળતા જ, પલાની અને કોડાઈકાનાલના ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસીસના કર્મચારીઓ, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી દીધી.
તમામ ઘાયલ મુસાફરોને ખીણમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તબીબી સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે.
વધુ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પાકિસ્તાની મંત્રી ભારતના પ્રવાસે, SCO મંચ પર લેશે ભાગ








