Homeગુજરાતીગુજરાતવડોદરા નજીક મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ નવો બનીને તૈયાર, રવિવારે લોકાર્પણ

વડોદરા નજીક મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ નવો બનીને તૈયાર, રવિવારે લોકાર્પણ

વડોદરા, 18 સપ્ટેમ્બર, 2026:  Gambhira Bridge to be inaugurated on Sunday હાઈવે પર વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહિસાગર નદી પરના  ગંભીરા બ્રિજ તૂટી પડ્યાના એક જ વર્ષમાં રૂપિયા 212 કરોડના ખર્ચે તૈયાર કરી દેવામાં આવ્યો છે, ઈપોક્ષી કોટેડ સ્ટીલ અને પ્રિકાસ્ટ એલિમેન્ટ્સ ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરીને બનાવેલા નૂતન બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. 20મી સપ્ટેમ્બરને રવિવારે લોકાર્પણ કરવામાં આવશે.

વડોદરા અને આણંદ વચ્ચે ગંભીરા ગામ નજીક મહિસાગર નદી પરનો બ્રિજ  જુલાઈ 2025માં ધરાશાયી થયો હતો.  જેના પરિણામે વડોદરા અને આણંદ વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા વાહનચાલકોને વડોદરા તરફ જવા લાંબુ અંતર કાપવુ પડતું હતું, ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ મુખ્યમંત્રીએ નવા બ્રિજ બનાવવાના કામને ત્વરિત મંજુરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને રેકોર્ડ બ્રેક સમયમાં આ નવો આધુનિક પુલ તૈયાર કરવામાં આવ્યો છે.

ગંભીરા બ્રિજ અંગેની મુખ્ય વિગતો વિશે વાત કરીએ તો, આ આધુનિક બ્રિજનું નિર્માણ અંદાજે રૂ. 212 કરોડના ખર્ચે માત્ર 12 થી 13 મહિનાના અત્યંત ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એન્જિનિયરિંગ ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. આ પુલની કુલ લંબાઈ 868.75 મીટર (લગભગ 1 કિલોમીટર) છે, જેમાં 23 સ્પાન અને 21 મજબૂત પિલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજને લાંબા ગાળે કાટ ન લાગે તેમજ તેની મજબૂતી અને ટકાઉપણામાં વધારો થાય તે માટે ઈપોક્ષી કોટેડ સ્ટીલ અને પ્રિકાસ્ટ એલિમેન્ટ્સ ટેકનોલોજીનો ખાસ ઉપયોગ કરાયો છે.

બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મુકતા પહેલા સુરક્ષાના તમામ માપદંડો ચકાસી લેવામાં આવ્યા છે. સત્તાવાર લોકાર્પણ પહેલાં બ્રિજ પર 280 ટનની ક્ષમતા ધરાવતા ભારે વાહનો સાથે લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પુલ આઉટ ટેસ્ટ અને વાઇબ્રેશન મોનિટરિંગ જેવા તમામ મહત્વપૂર્ણ સુરક્ષા પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. આ નવા બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ જવાથી અને તેનો પ્રારંભ થવાથી વડોદરા, પાદરા અને આણંદ વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકો, વેપારીઓ અને સ્થાનિક રહીશોને મોટો લાભ થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular