રાજકોટ, 15 મે 2026: RMC demolished 12 temples including 8 Hanumanji dairies શહેરમાં મ્યુનિ,કોર્પોરેશન દ્વારા ગઈ મધરાત બાદ રોડ-રસ્તાઓ પર નડતરરૂપ હોય એવા 8 હનુમાનજીની ડેરી સહિત 12 મંદિરો તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. આરએમસી દ્વારા શહેરના મવડી વિસ્તારમાં આવેલા મંદિરને તોડવા માટે શ્રમિકો સાથે બુલડોઝર આવતા સ્થાનિક લોકો દ્વારા રસ્તા પર બેસી મંદિર બચાવવા રામધૂન બોલાવવામાં આવી હતી અને વહેલી સવારે 4 વાગ્યે અધિકારીઓ સાથે રકઝક કરી નડતર રૂપ ન હોવાનું કહી મંદિરને તોડવા દેવામાં આવ્યું ન હતું. આ મંદિર નાનું બનાવી દેવાની લોકોએ ખાતરી આપતા મંદિરના બદલે રસ્તા પરમાં ઓટાને બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો હતો.
શહેરમાં ભાજપ હસ્તકના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ-રસ્તાઓમાં નડતરરૂપ હોય એવા મંદિરોને તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લોકોનો વિરોધ ન થાય તે માટે મધરાત બાદ મંદિરો તોડવામાં આવી રહ્યા છે. આરએમસી દ્વારા 8 હનુમાનજીની ડેરી સહિત 12 મંદિરો તોડી પડાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. અને સ્થાનિક લોકોએ ભાજપની નીતિ સામે સવાલો ઊઠાવ્યાં છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ મોટું ઘર્ષણ ન થાય આ માટે તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી 5 વાગ્યા સુધી ચાલી હતી. આ માટે તંત્ર દ્વારા ફાયર વિભાગ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી, જેમાં મજૂરોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. કુલ 12 જેટલા ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે પૈકી રાજકોટના માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે માલવિયાનગર પોલીસ સ્ટેશન પીઆઇ જે. એમ. કૈલા, 5 PSI અને 60 પોલીસ કર્મચારીઓન બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો.


