Homeગુજરાતીદેશ-વિદેશયુક્રેનના ક્રિવી રિહમાં આર્સેલરમિત્તલ સ્ટીલ પ્લાન્ટ ઉપર રશિયાનો હુમલો, બેના મોત

યુક્રેનના ક્રિવી રિહમાં આર્સેલરમિત્તલ સ્ટીલ પ્લાન્ટ ઉપર રશિયાનો હુમલો, બેના મોત

નવી દિલ્હી, 17 ઓગસ્ટ 2026: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં હવે રશિયાએ યુક્રેનના ઔદ્યોગિક ગઢ પર મોટો પ્રહાર કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીના ગૃહનગર ગણાતા ક્રિવી રિહ શહેરમાં આવેલા વિશ્વના જાણીતા ‘આર્સેલરમિત્તલ સ્ટીલ પ્લાન્ટ’ પર રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે. આ હુમલામાં બે કર્મચારીઓના મોત થયા છે, જ્યારે અન્ય 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

કંપનીના સત્તાવાર નિવેદન મુજબ, રશિયન મિસાઈલો સીધી રીતે પ્લાન્ટની પાવર જનરેશન અને બ્લાસ્ટ ફર્નેસ (લોખંડ ગાળવાની ભઠ્ઠી) જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ પર પડી છે. આ હુમલાને કારણે પ્લાન્ટના મહત્વના એકમોને ભારે નુકસાન થયું છે, જેના પરિણામે ઉત્પાદન પ્રક્રિયાને આશિંક રીતે બંધ કરી દેવામાં આવી છે. નિષ્ણાતોના મતે, યુક્રેનના સ્ટીલ ઉત્પાદન અને નિકાસમાં આ પ્લાન્ટ કરોડરજ્જુ સમાન ભૂમિકા ભજવે છે, તેથી આ હુમલો યુક્રેનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો છે.

રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આ હુમલાની આકરી નિંદા કરતા રશિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, માત્ર છેલ્લા એક સપ્તાહમાં જ રશિયાએ યુક્રેનના વિવિધ ભાગોમાં 1,550થી વધુ અટેક ડ્રોન, 1,560 ગાઈડેડ બોમ્બ અને 62 મિસાઈલો છોડી છે. તેમણે આક્ષેપ કર્યો કે રશિયા જાણીજોઈને નાગરિકો અને ઔદ્યોગિક માળખાને નિશાન બનાવી રહ્યું છે.

  • રશિયાનો દાવો: અમે માત્ર સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા

બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયે પોતાનો બચાવ કરતા કહ્યું છે કે, ક્રિવી રિહનો આ પ્લાન્ટ અને કીવના કેટલાક વિસ્તારો સૈન્ય-ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો છે જેનો ઉપયોગ યુક્રેન યુદ્ધ માટે કરી રહ્યું છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે યુક્રેન દ્વારા છોડવામાં આવેલા 822 ડ્રોનને પણ આકાશમાં જ તોડી પાડ્યા છે. જોકે, યુદ્ધમાં બંને દેશો દ્વારા કરવામાં આવતા આવા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરવી મુશ્કેલ છે.

નિષ્ણાતો માની રહ્યા છે કે રશિયા-યુક્રેન યુદ્ધ હવે માત્ર સરહદો કે સૈન્ય છાવણીઓ પૂરતું સીમિત રહ્યું નથી. બંને દેશો હવે એકબીજાની અર્થવ્યવસ્થા તોડવા માટે પાવર ગ્રીડ, ઉર્જા કેન્દ્રો અને મોટા ઔદ્યોગિક એકમોને નિશાન બનાવી રહ્યા છે. ક્રિવી રિહ પ્લાન્ટ પરનો આ હુમલો સંઘર્ષના વધતા વ્યાપનું સૂચક છે. હાલમાં પ્લાન્ટમાં નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાને સઘન કરી દેવામાં આવી છે. પ્લાન્ટ ફરીથી ક્યારે અને કેટલી ક્ષમતા સાથે શરૂ થશે, તે અંગે હાલ અનિશ્ચિતતા છે.

સંબંધિત લેખો

Most Popular