Site icon Revoi.in

ગુજરાતમાં CNGના ભાવમાં તોતિંગ વધારા બાદ સીએનજીથી સંચાલિક કારની ખરીદીમાં થયો ઘટાડો

Social Share

અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે સીએનજી ગેસ અને રાધણગેસના ભાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. ત્યારબાદ પેટ્રોલ-ડીઝલ અને રાધણગેસના સિલિન્ડરોના ભાવમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સીએનજીના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. આથી હવે વાહનચાલકોને સીએનજી સંચાલિત વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યા છે. કારણ કે ડીઝલ અને સીએનજીના ભાવમાં જાજો ફરક નથી, આથી હવે નવા સીએનજી સંચાલિક વાહનોના વેચાણમાં પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા પાછલા દોઢ દાયકામાં વાહનચાલકોએ સીએનજી ઈંધણનો વિકલ્પ પસંદ કરી વાહનમાં સીએનજી કીટ ફીટ કરાવવાનું શરૂ કર્યું હતું. જો કે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તે સાથે તમામ પ્રકારના ઇંધણના ભાવમાં બેફામ વધારો થયો છે. સીએનજી પણ તેમાંથી બાકાત નથી. પેટ્રોલ-ડીઝલની માફક પાછલા બે માસમાં સીએનજી ગેસના ભાવમાં પણ તોતીંગ વધારો થયો છે. દોઢ વર્ષ અગાઉ સીએનજી ગેસનો પ્રતિ કિલો રૂા. 50 થી 52 ભાવ હતો જે આજે રૂા. 82.40 થયો છે. જેના કારણે વાહનચાલકોમાં સીએનજી કીટ ફીટ કરાવવાનો મોહ હવે રહ્યો નથી.એક સમયે શો-રૂમમાં નવી ગાડી ખરીદી કર્યા બાદ ગાડી ઘરે હંકારવાના બદલે વાહનચાલક સીએનજી કીટ ફીટ કરાવવા ઓથોરાઇઝડ ડીલરના ગેરેજમાં ગાડી લઇ જતાં હતા. આજે સ્થિતિ બદલાઇ છે. એક તો બીએસ-6 એન્જિનવાળી નવી ગાડીને આઉટસાઇડ સીએનજી કીટનું પાસીંગ મળતું ન હોવાથી વાહનચાલકો કંપની ફિટેડ સીએનજી કાર ખરીદવાનું પસંદ કરે છે. જો કે સીએનજીના ભાવ વધતા શો-રૂમમાં પણ સીએનજી ફિટેડ કારનું બુકીંગ અગાઉ કરતા સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જૂની કારમાં સીએનજીમાં કન્વર્ટ(પરીવર્તિત) કરાવનારાની સંખ્યા ઘટી ગઈ છે. તે પાછળ મુખ્ય બે કારણ જવાબદાર છે. એક તો સીએનજી ગેસનો ભાવ દિનપ્રતિદિન વધી રહ્યો છે અને બીજુ સીએનજી કીટના ભાવ પણ અગાઉ કરતા 40 ટકા વધુ થયા છે. જેના કારણે વાહનચાલકો ગણતરી કરી ઇ-કાર અથવા તો પેટ્રોલ-ડીઝલવાળી ગાડી તરફ આકર્ષાય છે.સીએનજી કિટ્સના એક ડિલરના કહેવા મુજબ  છેલ્લા બે વર્ષથી પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો. જેના કારણે જુની પેટ્રોલ કારની ખરીદી કરીને લોકો સીએનજી કીટ ફીટ કરાવતા હતા. જેથી જુની સીએનજી કારના ભાવ સતત વધ્યા હતા. પરંતુ સીએનજી ગેસના ભાવમાં વધારો થવાને કારણે હવે જુની પેટ્રોલ કારની જગ્યાએ જુની ડિઝલ કારની માંગ વધી રહી છે. છેલ્લા ચાર મહિનાથી સીએનજીના ભાવમાં થોડા-થોડા કરીને રૂા. 82 સુધી ભાવ પહોંચ્યો છે. આજે સ્થિતિ એવી આવી છે કે સીએનજી કીટ ફીટ કરાવનારની સંખ્યામાં 40 ટકાનો ઘટાડો થયો છે.

ઉપરાંત  સીએનજી કીટ કંપની ફીટેડ હોય તો કારની કિંમતમાં રૂા. 1 થી 1.10 લાખ સુધી વધે છે. જ્યારે બહારથી સીએનજી કીટ ફીટ કરાવે તો રૂા. 55હજારથી 70 હજારમાં પડે છે. છેલ્લા બે વર્ષમાં સીએનજી કીટની કિંમત પણ રૂા. 15 થી 20 હજાર જેટલી વધી છે. બીએસ-6 પેટ્રોલ ગાડીમાં સીએનજી બહારથી ફીટ કરાવવામાં આવે તો આરટીઓ પાસીંગ મળતું નથી. જેના લીધે પણ ફટકો પહોંચ્યો છે.