Site icon Revoi.in

અયોધ્યા બાદ કર્ણાટકમાં પણ ભવ્ય રામ મંદિર બનશે, તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરશે

Social Share

બેંગ્લોરઃ ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને જાન્યુઆરી 2024 સુધીમાં મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે તેવી આશા છે. દરમિયાન હવે અયોધ્યા બાદ કર્ણાટકમાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવામાં આવશે. આ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જાહેરાત કરી હતી. તેમજ તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરવામાં આવશે.  ધાર્મિક સ્થળોના વિકાસ પાછળ રૂ. એક હજાર કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.

મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આજે રાજ્ય વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન રામ મંદિરના નિર્માણની જાહેરાત કરી હતી. બજેટ રજૂ કરતા સીએમ બોમાઈએ કહ્યું કે, રામનગરમાં રામ મંદિરનું નિર્માણ થશે. આજે કર્ણાટક વિધાનસભામાં વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

બજેટ સત્ર દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્યના મંદિરો અને મઠોના જીર્ણોદ્ધાર માટે મોટી રકમની જાહેરાત કરી હતી. બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી બોમાઈએ જાહેરાત કરી હતી કે કર્ણાટક સરકાર રાજ્યના તમામ મંદિરો અને મઠોનું નવીનીકરણ કરશે. તેમણે આ કામ માટે 1000 કરોડ રૂપિયાના બજેટની જાહેરાત કરી છે. આ કામ આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ રકમથી મંદિરો અને મઠોના વ્યાપક વિકાસ અને જીર્ણોદ્ધારનું કામ કરવામાં આવશે.

કર્ણાટકની ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ છે. આ પછી સરકાર ચૂંટણી મેદાનમાં ઉતરવાની છે, તેથી મુખ્યમંત્રીએ આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ પાણીના સંરક્ષણ માટે કુવાઓ, ડેમ અને નાળાઓ વિકસાવવા માટેના બે પ્રોજેક્ટ માટે રૂ. 75 કરોડ ફાળવ્યા છે. તેમજ બેંગલુરુમાં 5 કિ.મી. એલિવેટેડ રોડ બનાવવા માટે 350 કરોડની જાહેરાત કરવામાં આવી છે. બેંગલુરુમાં રસ્તાઓના નિર્માણ માટે 300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.