Site icon Revoi.in

શંકરાચાર્યજી બાદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીઃ ફારુક અબ્દુલ્લા

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશી છે. દરમિયાન આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ રાહુલ ગાંધીની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું હતું કે, શંકરાચાર્યજી બાદ આવી યાત્રા નિકાળનાર રાહુલ ગાંધી બીજી વ્યક્તિ છે. આ દેશ ભગવાન શ્રી રામ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો છે. રઘુરામ રાઘવે રાહુલ ગાંધીને સ્માર્ટ અને જિજ્ઞાસુ ગણાવ્યાં હતા.

એક રિપોર્ટ અનુસાર ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “સદીઓ પહેલા શંકરાચાર્યજી અહીં આવ્યા હતા. જ્યારે રસ્તાઓ નહોતા, પરંતુ જંગલો હતા, તેઓ કન્યાકુમારીથી પગપાળા કાશ્મીર આવ્યા હતા. રાહુલ ગાંધી બીજા વ્યક્તિ છે, જેમણે કન્યાકુમારીથી યાત્રા શરૂ કરીને કાશ્મીર પહોંચ્યાં છે.”

કાશ્મીરી નેતાએ કહ્યું કે યાત્રાનો હેતુ દેશને નફરત વિરુદ્ધ એક કરવાનો છે. આ ગાંધી અને રામનો દેશ છે, જ્યાં આપણે બધા એક છીએ. આ યાત્રા ભારતને એક કરશે.” તે એક કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમના દુશ્મનો ભારત, માનવતા અને લોકોના દુશ્મન છે.”

ફારુક અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદ અંગે પણ વાત કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, જ્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત નહીં થાય ત્યાં સુધી આ મુદ્દો જીવંત રહેશે. તેમણે પાકિસ્તાન સાથે નહીં પરંતુ ચીન સાથે વાતચીત કરવાના સરકારના તર્ક પર સવાલ ઉઠાવ્યા હતા. અબ્દુલ્લાએ કહ્યું, “હું તમને મારા લોહીથી લેખિતમાં આપવાનો છું કે આતંકવાદ જીવતો છે અને જ્યાં સુધી તમે પાકિસ્તાન સાથે વાત નહીં કરો ત્યાં સુધી તે સમાપ્ત થશે નહીં.”

કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે, ‘ભારત જોડો યાત્રા’ના J&K લેગ દરમિયાન ફારુક અબ્દુલ્લા, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા જેવા ઘણા પ્રતિષ્ઠિત રાજકીય નેતાઓએ ભાગ લીધો હતો.