Site icon Revoi.in

વાયરલ ઓડિયો બાદ શિક્ષિકાએ વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી

Aravalli, education world controversy

Aravalli, education world controversy

Social Share

હેમંત પરમાર, અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં વાયરલ થયેલા શિક્ષિકા અને શિક્ષકના કથિત વાર્તાલાપના વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. હવે આ સમગ્ર મામલામાં એક નવો વળાંક આવ્યો છે. વાયરલ ઓડિયોમાં સંકળાયેલા હોવાનું કહેવાતા શિક્ષિકાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમણે અનેક મહત્વપૂર્ણ સ્પષ્ટતાઓ આપી છે.

શિક્ષિકાના જણાવ્યા મુજબ વાયરલ થયેલા વાર્તાલાપમાં જે વ્યક્તિ સાથે વાતચીત થઈ રહી હતી તે શાળાના પૂર્વ આચાર્ય હતા. તેમણે એવો દાવો પણ કર્યો છે કે તેમની જાણ અને મંજૂરી વગર જ આ વાર્તાલાપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો હતો.

શિક્ષિકાએ વીડિયોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની પાસે કોઈપણ પ્રકારની નાણાકીય માંગણી કરી નથી. ઉપરાંત વરુણ પટેલ સાથે પણ કોઈ પ્રકારની નાણાકીય ચર્ચા કે લેવડદેવડ થઈ ન હોવાનું તેમણે જણાવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે આ વાર્તાલાપના કારણે જો કોઈ વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માંગે છે અને આ સમગ્ર મુદ્દે કાર્યવાહી કરશે.

આ પણ વાંચોઃ અરવલ્લીના વાયરલ ઓડિયોમાં કોણ છે સાચું, કોણ છે સંડોવાયેલું? લાખોની લેવડદેવડની ચર્ચાએ ઉઠાવ્યા અનેક સવાલો

પરંતુ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શિક્ષિકાએ જે કાર્યવાહી કરવાની વાત કરી છે તે આખરે કોની સામે થશે?

શું કાર્યવાહી તે પૂર્વ આચાર્ય સામે કરવામાં આવશે જેમની સાથે આ વાર્તાલાપ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે? કે પછી કાર્યવાહી તે વ્યક્તિ સામે થશે જેણે આ વાતચીતને જાહેર કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી?

અથવા શિક્ષિકા કોઈ અન્ય વ્યક્તિ કે તત્વને જવાબદાર માની રહ્યા છે? જો વીડિયો તેમની જાણ વગર વાયરલ થયો હોય તો શું સાયબર ક્રાઇમ અથવા કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવશે?

આ સમગ્ર ઘટનાક્રમમાં હવે સત્ય શું છે અને જવાબદારી કોની છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. પરંતુ શિક્ષિકાના નવા વીડિયોએ જૂના વિવાદને શાંત કરવાને બદલે નવા પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે આગામી દિવસોમાં કાર્યવાહી કોની સામે થાય છે અને તપાસમાંથી કઈ હકીકતો બહાર આવે છે.

Exit mobile version