Site icon Revoi.in

અમદાવાદ: IPLની ફાઈનલ મેચની ટિકિટોની કાળાબજારી કરતા 2 શખ્સો ઝડપાયા

Social Share

અમદાવાદ, 30 મે 2026: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રવિવારે રમાનારી આઈપીએલ 2026 ની ફાઇનલ મેચ માટે ટિકિટોની ભારે માંગ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાળાબજાર કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસની સતર્કતાને કારણે મેચ પહેલા જ ટિકિટોના કાળાબજારનો પર્દાફાશ થયો છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, સિંધુ ભવન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યા હતા. તપાસ કરતા તેમની પાસેથી આઈપીએલ ફાઇનલની 4 ટિકિટો મળી આવી હતી. આરોપીઓ આ ટિકિટો વધુ ભાવે વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે માન પટેલ (ઉ.વ. 19, રહે, બોડકદેવ) અને સફીક ઉર્ફે બની મોહમ્મદ અયુબ અંસારી (ઉ.વ. 24, રહે, ગોમતીપુર)ને ઝડપી લીધા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટિકિટોની અસલી કિંમત માત્ર 3,500 રૂપિયા હતી, પરંતુ આરોપીઓ તેને 10,000 રૂપિયાના તોતિંગ ભાવે વેચવાની ફિરાકમાં હતા. જોકે, ટિકિટ વેચાય તે પહેલા જ પોલીસે બંનેને દબોચી લીધા હતા. પોલીસે ટિકિટો ઉપરાંત આરોપીઓ પાસેથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વપરાતા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે:

આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં મોટી મેચો વખતે ટિકિટોના કાળાબજાર રોકવા માટે પોલીસ દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

Exit mobile version