અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદાનું ઉલ્લંઘન કરનારા એકમો સામે બે મોરચે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દર્દીઓની સલામતી અને પર્યાવરણીય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે AMCએ આ આકરા પગલાં લીધા છે. AMCના ટાઉન પ્લાનિંગ વિભાગે BU પરમિટ અને અન્ય જરૂરી દસ્તાવેજોના અભાવે શહેરની વધુ 13 હોસ્પિટલોને સીલ કરી દીધી છે. આ હોસ્પિટલો મુખ્યત્વે ખોખરા, મણિનગર અને ઈન્દ્રપુરી જેવા વોર્ડમાં આવેલી છે.
કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે, દર્દીઓની સુરક્ષા અને કાયદાનું પાલન કરવું દરેક હોસ્પિટલ માટે અનિવાર્ય છે. ગેરકાયદેસર બાંધકામ કે દસ્તાવેજી ખામીઓ ધરાવતી હોસ્પિટલો સામે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. એક તરફ હોસ્પિટલો સીલ થઈ, તો બીજી તરફ પ્રદૂષણ નિયંત્રણ માટે મનપાએ શહેરની 25 બાંધકામ સાઇટ પર સઘન તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 7 બાંધકામ સાઇટ પર ધૂળનું પ્રદૂષણ રોકવા માટે જરૂરી ગ્રીન નેટ ન હોવાનું જણાયું હતું. AMCએ નિયમ ભંગ બદલ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ 7 બાંધકામ સાઇટ પાસેથી સંયુક્ત રીતે રૂ.1.45 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

