Site icon Revoi.in

સંસદની કાર્યવાહીમાં AI નો સમાવેશ: હવે 27 ભાષાઓમાં થશે પ્રસારણ

Social Share

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: નવા વર્ષમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની વિશેષ પહેલથી સંસદની કાર્યવાહીનો સમગ્ર ઢાંચો બદલાવા જઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ દ્વારા સંસદના પ્રસારણથી લઈને સાંસદોની સુવિધા સુધીના અનેક નવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુધીમાં સંસદની કાર્યવાહીનું પ્રસારણ તમામ 27 માન્યતા પ્રાપ્ત ભાષાઓમાં કરવામાં આવશે, જે ભારતની ભાષાકીય વિવિધતાને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરશે.

સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, AI ના માધ્યમથી સાંસદોને હવે વધુ સજ્જ કરવામાં આવશે. સત્ર દરમિયાન જે સાંસદોના તારાંકિત પ્રશ્નો હશે, તેની જાણકારી ત્રણ દિવસ પહેલા અને તેનો જવાબ એક દિવસ અગાઉ ‘વ્હોટ્સએપ‘ દ્વારા આપી દેવામાં આવશે. આ સુવિધાને કારણે સાંસદોને પૂરક પ્રશ્નોની તૈયારી કરવા માટે પૂરતો સમય મળશે. આ ઉપરાંત, સંસદની કાર્યવાહી પૂર્ણ થયાના એક કલાકની અંદર જ તેને વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

ચાલુ વર્ષના ચોમાસુ સત્રમાં 22 ભાષાઓમાં કાર્યવાહીનું પ્રસારણ થશે, જે આગામી સમયમાં વધારીને 27 કરવામાં આવશે. ઓમ બિરલાએ ઉમેર્યું કે, “અમારી યોજના ભારતની વિવિધતાને સંસદમાં સ્થાન આપવાની છે. સાંસદો હવે પોતાની માતૃભાષામાં પ્રશ્નો પૂછી શકશે અને વિચારો રજૂ કરી શકશે. આ સત્રમાં દસ ભાષાઓમાં દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

14 થી 16 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં ૨૮મી ‘કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ’ (CSPOC) યોજાશે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. જોકે, આ સંમેલનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભાગ લેશે નહીં. પાકિસ્તાનને આમંત્રણ અપાયું નથી, જ્યારે બાંગ્લાદેશમાં સંસદ ભંગ હોવાને કારણે તેમની ભાગીદારી શક્ય બની નથી.

TMC સાંસદ કીર્તિ આઝાદ દ્વારા સદનમાં ઈ-સિગારેટના કથિત ઉપયોગ અંગે સ્પીકરે કડક સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, “તપાસ અંતિમ તબક્કામાં છે. ગૃહની ગરિમાનું ઉલ્લંઘન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

આ પણ વાંચોઃસોમનાથ મંદિર પ્રત્યે વધતી જતી આસ્થા: ગુગલ સર્ચમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Exit mobile version