Site icon Revoi.in

હવાઈ મુસાફરો મોંઘી થશે: જેટ ફ્યુઅલના ભાવમાં 115 ટકા સુધીનો વધારો

Social Share

નવી દિલ્હી, 1 એપ્રિલ 2026: દેશમાં હવાઈ મુસાફરી કરનારા પ્રવાસીઓએ હવે ખિસ્સા વધુ હળવા કરવા માટે તૈયાર રહેવું પડશે. છેલ્લા એક મહિનામાં વિમાનના બળતણ એટલે કે જેટ ફ્યુઅલ (ATF)ની કિંમતોમાં બમણાથી પણ વધુ વધારો થતા આગામી દિવસોમાં વિમાનભાડામાં તોતિંગ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે.

તેલ કંપનીઓ દ્વારા એપ્રિલ મહિના માટે જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ઘરેલું ઉડાન માટેના જેટ ફ્યુઅલમાં અંદાજે 115 ટકા અને આંતરરાષ્ટ્રીય ઉડાન માટેના ઈંધણમાં 107 ટકાનો જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં સતત થઈ રહેલા ઘટાડાએ એરલાઈન્સ કંપનીઓની મુશ્કેલીમાં ઓર વધારો કર્યો છે.

દેશના સૌથી વ્યસ્ત એવા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેટ ફ્યુઅલની કિંમત હવે પ્રતિ કિલો લીટર (1000 લીટર) રૂ. 2,07,341 પર પહોંચી ગઈ છે, જે ગયા મહિને માત્ર  રૂ. 96638 હતી. આ જ રીતે મુંબઈમાં પણ ભાવ રૂ. 90451થી વધીને રૂ. 1,94,968 થયો છે. કોલકાતા અને ચેન્નાઈમાં પણ ઈંધણના ભાવ ૨ લાખની સપાટી વટાવી ગયા છે.

ભારતમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ઉડાન માટેનું ઈંધણ 1000 ડોલર પ્રતિ કિલો લીટરને પાર કરી ગયું છે. દિલ્હીમાં આ કિંમત 816 ડોલરથી વધીને સીધી 1690 ડોલર થઈ ગઈ છે. ડોલર સામે રૂપિયો 95ની સપાટી વટાવીને ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચતા આંતરરાષ્ટ્રીય મુસાફરી પણ હવે સામાન્ય માણસની પહોંચની બહાર જઈ રહી હોય તેમ લાગે છે.

“એરલાઈન્સના કુલ ખર્ચમાં બળતણનો હિસ્સો 40 થી 45 ટકા જેટલો હોય છે. ઈંધણના ભાવમાં થયેલો આ અસહ્ય વધારો અંતે તો પેસેન્જરોના માથે જ આવશે.” પશ્ચિમ એશિયાના સંકટને કારણે એરલાઈન્સ પહેલેથી જ લાંબા રૂટ અને આર્થિક બોજ હેઠળ દબાયેલી છે. નિષ્ણાતોના મતે, ભાડામાં વધારો થવાને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે, જેનાથી એરલાઈન્સ કંપનીઓને તેમની ફ્લાઈટ્સની સંખ્યામાં કાપ મૂકવાની ફરજ પડી શકે છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારે ‘ફાઇનાન્સ એક્ટ 2026’ નોટિફાય કર્યો, નવા બજેટના ટેક્સ નિયમો લાગુ થયાં

Exit mobile version