દુબઈ, 6 માર્ચ 2026: પશ્ચિમ એશિયાના આકાશમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે. સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના દુબઈ અને અબુ ધાબી સહિત પશ્ચિમ એશિયાના સાત મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો પર 19 હજારથી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ‘ફ્લાઈટરાડાર-૨૪’ ના તાજેતરના આંકડા મુજબ, 1, 2 અને 3 માર્ચના રોજ સૌથી વધુ અસર જોવા મળી હતી, જ્યાં દરરોજ 3300 થી વધુ વિમાની ઉડાનો રદ કરવી પડી હતી.
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ સિલસિલો 6 માર્ચ સુધી સતત જારી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા સાત દિવસમાં કુલ 19000 થી વધુ ફ્લાઈટ્સ રદ થતા હજારો મુસાફરો અટવાયા છે. 28 ફેબ્રુઆરીએ 1400 ફ્લાઈટ્સ રદ થયા બાદ 1 માર્ચ અને 2 માર્ચે આ આંકડો વધીને 3400 ને પાર કરી ગયો હતો. 3 અને 4 માર્ચે પણ અનુક્રમે 3300 અને 3200 ફ્લાઈટ્સ રદ રહી હતી. 5 માર્ચે 3000 અને 6 માર્ચે 1300 ફ્લાઈટ્સ પર તેની અસર જોવા મળી છે.
ડેટા અનુસાર, પશ્ચિમ એશિયાના સૌથી વ્યસ્ત ગણાતા દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (દુબઈ), હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (દોહા, કતાર), ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (અબુ ધાબી, યુએઈ), શારજાહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (શારજાહ, દુબઈ), કુવૈત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (કુવૈત), બહેરીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (મનામા, બહેરીન) અને અલ મકતુમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (દુબઈ) પર વિમાની પરિવહન પ્રભાવિત થયું છે.
વિશ્વના કનેક્ટિંગ હબ ગણાતા આ એરપોર્ટ્સ પર મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ થવાને કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ પર આવતા પહેલા તેમની ફ્લાઈટનું સ્ટેટસ તપાસી લેવા વિનંતી કરી છે. જોકે, આટલી મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ રદ થવા પાછળના ચોક્કસ ટેકનિકલ કે સુરક્ષા કારણો અંગે હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ ઇઝરાયેલે નવેમ્બરમાં જ ઘડી કાઢ્યો હતો ખામેનેઇને ખતમ કરવાનો પ્લાન, ઓપરેશન રોરિંગ લાયન હેઠળ કર્યો ખાતમો

