Site icon Revoi.in

હવાઈ સફર થશે વધુ સસ્તી: કેન્દ્ર સરકારે મોડિફાઈડ ઉડાન યોજનાને આપી લીલી ઝંડી

Social Share

નવી દિલ્હી, 25 માર્ચ 2026: દેશના નાના શહેરો અને છેવાડાના વિસ્તારોને હવાઈ માર્ગે જોડવા માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘મોડિફાઈડ ઉડાન’ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આગામી 10 વર્ષના ગાળા માટે (નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36) લાગુ થનારી આ યોજના પાછળ સરકાર કુલ રૂ. 28840 કરોડનો જંગી ખર્ચ કરશે. આ યોજના ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યને પાર પાડવામાં એક મહત્વનું કદમ સાબિત થશે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સસ્તી અને સુલભ બનાવવાનો છે. તેનાથી દેશને સીધા ફાયદાઓ થશે. જ્યાં હજુ સુધી ફ્લાઈટ પહોંચી નથી તેવા અને ઓછી સુવિધાવાળા વિસ્તારોમાં હવાઈ સેવા શરૂ થશે. ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં વેપાર-ઉદ્યોગ અને પ્રવાસનને મોટી ગતિ મળશે. સામાન્ય નાગરિકો માટે વિમાનમાં બેસવાનું સપનું વધુ સસ્તા દરે સાકાર થશે. પહાડી અને દૂરના વિસ્તારોમાં મેડિકલ ઇમરજન્સી વખતે આરોગ્ય સેવાઓ ઝડપથી પહોંચાડી શકાશે. સ્વદેશી એરોસ્પેસ ક્ષેત્ર અને પ્રાદેશિક એરલાઇન્સને મોટું પ્રોત્સાહન મળશે.

દેશના એવિએશન સેક્ટરને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા આગામી 8 વર્ષમાં રૂ. 12159 કરોડના ખર્ચે 100 નવી એરસ્ટ્રિપ્સ/એરપોર્ટ વિકસાવવામાં આવશે. નાના એરપોર્ટ્સને આર્થિક રીતે ટકાવી રાખવા સરકાર 3 વર્ષ માટે જાળવણી સહાય આપશે. અંદાજે 441 એરોડ્રોમ્સ માટે રૂ. 2577 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં એરપોર્ટ દીઠ વાર્ષિક મહત્તમ રૂ. 3.06 કરોડ અને હેલીપોર્ટ/વોટર એરોડ્રોમ દીઠ રૂ. 0.90 કરોડની મર્યાદા રહેશે. પહાડી, ટાપુ અને દુર્ગમ વિસ્તારો માટે આગામી 8 વર્ષમાં રૂ. 3661 કરોડના ખર્ચે 200 આધુનિક હેલિપેડ્સ બનાવાશે.

એરલાઇન કંપનીઓને ખોટ ન જાય અને તેઓ નાના રૂટ પર ફ્લાઈટ ચલાવવા પ્રોત્સાહિત થાય તે માટે આગામી 10 વર્ષમાં રૂ. 10043 કરોડની VGF (નાણાકીય સહાય) પૂરી પાડવામાં આવશે. ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત દુર્ગમ વિસ્તારો માટે સરકાર પવન હંસ માટે બે HAL ‘ધ્રુવ’ હેલિકોપ્ટર અને એલાયન્સ એર માટે બે HAL ‘ડોર્નિયર’ એરક્રાફ્ટની ખરીદી પણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ UDAN યોજના ઓક્ટોબર ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી. અમલીકરણના નવ વર્ષો દરમિયાન (28 ફેબ્રુઆરી 2026 સુધીના આંકડા મુજબ) 95 એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર એરોડ્રોમ પર 663 રૂટ કાર્યરત કરવામાં આવ્યા છે. 3.41 લાખથી વધુ ફ્લાઇટ્સ ઉડી ચુકી છે. તેમજ 1.62 કરોડથી વધુ મુસાફરોએ આ સસ્તી હવાઈ સેવાનો લાભ લીધો છે.

 

Exit mobile version