નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026 : બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા હિંસક હુમલાઓને લઈને ભારતભરમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે આ મામલે ઓલ ઈન્ડિયા ઈમામ સંગઠનના વડા ડો. ઉમર અહમદ ઇલિયાસીએ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. તેમણે બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન સહિતની જાણીતી હસ્તીઓની મૌન રહેવા બદલ ટીકા કરી છે અને સ્પષ્ટ કહ્યું છે કે આ સમયે ચૂપ રહેવું એ ખોટો સંદેશ આપે છે.
ચીફ ઇમામ ઉમર ઇલિયાસીએ ખાસ કરીને અભિનેતા શાહરુખ ખાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, “શાહરુખ ખાને દેશવાસીઓની માફી માંગવી જોઈએ અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ સ્પષ્ટ નિવેદન આપવું જોઈએ. જ્યારે માનવતા જોખમમાં હોય ત્યારે પ્રભાવશાળી લોકોની ખામોશી અત્યાચારને પ્રોત્સાહન આપવા સમાન છે.”
ઇલિયાસીએ યાદ અપાવ્યું હતું કે, આજે જે બાંગ્લાદેશ અસ્તિત્વમાં છે તેને બનાવવામાં ભારતની મુખ્ય ભૂમિકા રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, “જે દેશમાં હિંદુઓ સુરક્ષિત નથી, શું તે દેશના ખેલાડીઓને ભારતમાં રમતગમત કે અન્ય પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપવી જોઈએ?” ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધર્મગુરુ રામભદ્રાચાર્યએ પણ શાહરુખ ખાનની ટીમ KKR માં બાંગ્લાદેશી ખેલાડીની પસંદગી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.
ઇમામ ઉમર ઇલિયાસીએ ભારપૂર્વક જણાવ્યું કે, ઇસ્લામના નામે નિર્દોષો પર અત્યાચાર કરવો એ ધર્મની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, “ધર્મ કોઈ પણ સંજોગોમાં નિર્દોષ લોકોની હત્યા કે ઉત્પીડનની ઇજાજત આપતો નથી. આ મુદ્દો માત્ર રાજનીતિ કે ધર્મનો નથી, પણ રાષ્ટ્રવાદ અને માનવતાનો છે. આપણે સૌએ એક થઈને આ હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ.”
આ પણ વાંચોઃ હવે ભારતમાં અજાણ્યા બંદૂકધારીની એન્ટ્રી, પૂણે બ્લાસ્ટનો આરોપી ઠાર મરાયો

