Site icon Revoi.in

ભાવનગર શહેરના વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 104 કરોડ ગ્રાન્ટની ફાળવણી

Social Share

ભાવનગરઃ શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 104 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. શહેરના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. ભાવનગર મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના 13 કામો માટે રૂ. 10.07 કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. 11.53 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેરના વિવિધ વિકાસના કામો માટે 104.06 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મ્યુનિ.કોર્પોરેશનને ફાળવણી માટે મંજૂરી આપી છે. ભાવનગર મ્યુનિ.કોર્પોરેશને આ કામો માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્તોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.

મુખ્યમંત્રીએ ભાવનગર શહેરના રસ્તાઓના આર.સી.સી કામો, પેવર તથા રિકાર્પેટ કરવાના અને પેવીંગ બ્લોક નાખવાના કામો સાથોસાથ ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના રિપેરીંગ એમ કુલ 7 કામો માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રૂપિયા 11.53 કરોડની ફાળવણી માટે અનુમોદન આપ્યું હતું. ભાવનગર શહેરના આઉટગ્રોથ વિસ્તારોના 13 જેટલા માર્ગોના કામો માટે રૂ. 10.07 કરોડ ફાળવવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એટલું જ નહિ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના 64 કામો જેમાં પાણી પુરવઠા, શહેરી પરિવહન, પેવર રોડ વગેરે માટે અને સામાજિક માળખાકીય સુવિધાઓના 20 કામો માટે એમ કુલ 84 વિકાસ કામો માટે કુલ 82.46 કરોડ રૂપિયા ફાળવવાની પણ તેમણે મંજૂરી આપી છે. આ વિકાસ કામોનો સમગ્ર ભાવનગર મહાનગરની 6.49 લાખની જનસંખ્યાને લાભ મળશે.