અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધિ યાત્રાધામ અંબાજીમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દરમિયાન શ્રદ્ધાળુઓને આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો છે અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટના આ નિર્ણયને પગલે સ્થાનિકો અને ભક્તોમાં નારાજગી ફેલાઈ છે. હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કરીને આગામી 48 કલાકમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ મોહનથાળનો પ્રસાદ બંધ કરવા મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે.
અંબાજી મંદિરમાં પ્રસાદમાં અત્યાર સુધી મોહનથાળ આપવામાં આવતો હતો. પરંતુ હવે અચાનક તે બંધ કરી દેવાતા માઇ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘હવેથી પ્રસાદમાં મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રસાદમાં ચીકી આપવામાં આવશે. ઉતર ગુજરાતની જ કોઇ કોન્ટ્રાક્ટ એન્જસીને કામ સોંપવામાં આવ્યું છે. જે કોન્ટ્રાકટ એજન્સી સોમનાથ મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડે છે. એ જ એજન્સી હવે અંબાજી મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડશે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રસાદ બદલવાને લઇ અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.’ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદ શરૂ કરવાના નિર્ણયનો કોંગ્રેસે વિરોધ નોંધાવીને ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ફરીથી મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવા માટે માંગણી કરી હતી.