Site icon Revoi.in

અમેરિકાનો ઈરાન પર પ્રચંડ પ્રહાર: 30થી વધુ જહાજોનો નાશ કર્યો

Social Share

વોશિંગ્ટન, 6 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા તેના સૈન્ય માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકાના ટોચના સૈન્ય અધિકારીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અમેરિકી દળોએ ઈરાનના ૩૦થી વધુ જહાજોને દરિયામાં ડૂબાડી દીધા છે. આ કાર્યવાહી બાદ તેહરાન દ્વારા કરવામાં આવતા બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

રોયટર્સના અહેવાલ મુજબ, એડમિરલ બ્રેડ કૂપરે વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં ઈરાનના ૩૦થી વધુ જહાજોને નષ્ટ કર્યા છે. છેલ્લા કેટલાક કલાકોમાં જ અમે ઈરાનના એક વિશાળ ડ્રોન વાહક પોતને નિશાન બનાવ્યું છે. આ જહાજનું કદ બીજા વિશ્વયુદ્ધના વિમાનવાહક જહાજ જેટલું વિશાળ છે અને હાલમાં તે ભીષણ આગની લપેટમાં છે.”

દરમિયાન ઈરાને ઈઝરાયેલ વિરુદ્ધ પોતાના હુમલા વધુ ઘાતક બનાવ્યા છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ક્લસ્ટર બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલો અને વીડિયો સામે આવ્યા છે. ગુરુવારે રાત્રે ઈરાને અનેક બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી, જેમાં પ્રતિબંધિત ગણાતા ક્લસ્ટર બોમ્બ ફીટ કરવામાં આવ્યા હોવાનું જણાયું છે. ક્લસ્ટર બોમ્બ હવામાં જ વિસ્ફોટ થઈને નાના-નાના અનેક બોમ્બ વિખેરે છે, જે મોટા પાયે વિનાશ સર્જવા માટે જાણીતા છે.

અમેરિકી સૈન્ય અધિકારીઓના મતે, ઈરાનના નૌકાદળના મથકો અને જહાજો પરના સતત હુમલાઓને કારણે ઈરાનની આક્રમકતામાં ઓટ આવી છે, પરંતુ હજુ પણ સરહદ પર તણાવ ચરમસીમાએ છે.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનો નિર્ણય: દિલ્હી સહિત અનેક રાજ્યોના રાજ્યપાલો બદલાયા

Exit mobile version