Site icon Revoi.in

UAEએ એન્ટી ડમ્પિંગ ડ્યુટી હટાવી છતાં પણ મોરબીના સિરામિક પ્રોડક્ટની નિકાસમાં ઘટાડો

Social Share

મોરબીઃ સિરામિક ઉદ્યોગને ફરીવાર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતા ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી જો કે, કેન્દ્ર સરકારની દરમિયાનગીરીના કારણે યુએઇમાં સિરામિક પ્રોડક્ટ પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગતી હતી તેને હટાવવામાં આવી છે જેથી સિરામિક ઉદ્યોગને યુએઇનું માર્કેટ પણ મળશે પરંતુ એક્સપોર્ટ માર્કેટ સતત ઘટી રહ્યું છે, તેમાં જો બ્રેક નહીં લાગે તો આગામી દિવસોમાં સિરામિક ઉદ્યોગ માટે કપરા ચઢાણ આવે તો નવાઈ નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ 800 જેટલા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે સિરામિક પ્રોડકટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે, જેથી સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે ત્યારે મોરબી વોલ ટાઇલ્સ એસો.ના કહેવા મુજબ  જીસીસીના છ દેશમાં સિરામિક ઉદ્યોગની કમર તૂટી જાય એવી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી હતી માટે ઉદ્યોગકારો હેરાન હતા. જે હાલમાં દૂર કરવામાં આવી છે જેથી કરીને અહીના ઉદ્યોગકારોને યુએઇનું માર્કેટ સર કરવાની આશા બંધાણી છે. દુનિયામાં આજે સિરામિકનો ઉદ્યોગ ભારતના મોરબી ઉપરાંત ચાઈના અને ઈટલીમાં છે અને ચાઈનામાં આજની તારીખે નેચરલ ગેસ આસરે 15 રૂપિયાના ભાવથી આપવામાં આવે છે, મોરબીમાં ટેક્સ સાથે 58 રૂપિયાથી વધુના ભાવથી ગેસ ઉદ્યોગકારોને સપ્લાય કરવામાં આવે છે ત્યારે ઇન્ટર નેશનલ માર્કેટમાં અહીના ઉદ્યોગકારોને ટકવું મુશ્કેલ બની ગયું છે અને ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલમાં ગેસ ઉપરાંત અન્ય રોમટિરિયલ્સના ભાવમાં વધારો થયો હોવાથી સિરામિક પ્રોડકટની પડતર કિંમત વધી રહી છે, જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે. જો આવીને આવી પરિસ્થિતિ રહી તો મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થાય તો નવાઈ નહી કહેવાય,

મોરબી વિટ્રીફાઇડ એસો.ના સૂત્રોએ જણાવ્યું હતું કે,  મોરબી પંથકના સિરામિક ટાઇલ્સ અને સેનેટરી વેર્સના કારખાના આવેલા છે તેમાંથી મોટાભાગના ઉદ્યોગકારોને સાઉદીમાં માલ સપ્લાઈ કરે છે સિરામિક ઉદ્યોગકારોને યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાંથી મુક્તિ મળી ગઈ છે પરંતુ કોરોના પછીની પરિસ્થિતિ અને હાલમાં ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સહિતના કારણોસર મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી એક્સ્પોર્ટ સતત ઘટી રહ્યું છે તે હકકીત છે. સાઉદી અરેબિયા ભારતના સિરામિક માટે સૌથી મોટું માર્કેટ છે અને ત્યાં છેલ્લા ઘણા સમયથી ચાઈના કરતા ભારતની ટાઈલ્સ ઉપર બમણી કરતાં પણ વધુ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવી હતી જેથી એન્ટી ડમ્પિંગ ડ્યુટીના લીધે માર્કેટને નુકશાન થયું હતું આ ડ્યુટી દૂર કરવામાં આવી છે મોરબીની સિરામિક ટાઇલ્સ ચાઈના કરતાં ત્યાં સસ્તી થશે જેથી ભારતના ઉદ્યોગકારોનું એક્સ્પોર્ટ વધશે તેવી અહીના ઉદ્યોગકારોને આશા છે.

Exit mobile version