મુંબઈઃ આંધ્રપ્રદેશમાં ટ્રેનની અડફેટે આવતા છ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે કેટલાક લોકો ઘાયલ થયાં હતા. ગુવાહાટી જતી ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન બટુવા ગામ પાસે અટકાવવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક પ્રવાસીઓ નીચે ઉતર્યા હતા અને બાજુની ટ્રેક પાસે ઉભા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનની અડફેટે કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. આ અકસ્માતમાં છ પ્રવાસીઓના મોત થયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં કોણાર્ક એક્સપ્રેસ ટ્રેનની ટક્કરથી ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. મળતી માહિતી મુજબ, ટ્રેનની અડફેટે આવેલા તમામ 6 લોકો ગુવાહાટી જઈ રહેલી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જણાવ્યું કે બટુવા ગામમાં ટેકનિકલ સમસ્યાના કારણે ટ્રેન રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ આ લોકો બાજુના રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. આ દરમિયાન સામેથી આવતી કોણાર્ક એક્સપ્રેસ ટ્રેન આવી અને આ 6 લોકોને કચડીને રવાના થઈ ગઈ.
આ દૂર્ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. જ્યારે મૃતકોની ઓખળ મેળવવાની કવાયત શરૂ કરી હતી. ટ્રેનની અડફેટે આવી જતા છ પ્રવાસીઓના મોત થતા અન્ય પ્રવાસીઓમાં પણ ભય ફેલાયો હતો.