Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં વધુ એક BLOનો આપઘાત: સતત વધતા કામના ભારણે લીધો જીવ

Social Share

કોલકાતા, 29 જાન્યુઆરી 2025: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ દબાયેલા વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO) એ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે.  બાંકુરા જિલ્લાના રાનીબાંધ વિધાનસભા વિસ્તારમાં એક પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO તરીકે કાર્યરત શિક્ષકે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક હરધન મંડલ બાંકુરાની રાજકાટા મઝેરપારા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. તેઓ રાનીબાંધ વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર 206 પર BLO તરીકે ફરજ બજાવતા હતા. સવારે તેઓ મતદારોના દસ્તાવેજો એકત્ર કરવાના કામ માટે ઘરેથી નીકળ્યા હતા. મોડે સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન શાળાના ક્લાસરૂમમાં છત પરથી તેમનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં હરધન મંડલે લખ્યું છે કે, “હું હવે વધુ દબાણ સહન કરી શકતો નથી. અલવિદા. આ માટે હું પોતે જ જવાબદાર છું, અન્ય કોઈનો હાથ નથી.” પરિવારના જણાવ્યા અનુસાર, ખાસ ગહન પુનરાવલોકન (SIR) અભ્યાસ અને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ટૂંકા ગાળાના લક્ષ્યાંકોને કારણે તેઓ લાંબા સમયથી માનસિક તણાવમાં હતા. તેમના પુત્ર સોહમ મંડલે આક્ષેપ કર્યો હતો કે, “પિતા પર કામનું અસહ્ય ભારણ હતું અને કોઈ યોગ્ય તાલીમ પણ આપવામાં આવતી નહોતી.”

આ દુખદ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. TMCના અખિલ ભારતીય મહાસચિવ અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે દાવો કર્યો હતો કે, મતદાર યાદી સુધારણા (SIR) ની પ્રક્રિયા રાજકીય રીતે પ્રેરિત અને ઉતાવળમાં કરવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા અસહ્ય ટાર્ગેટને કારણે જ કર્મચારીઓ આવા પગલાં ભરી રહ્યા છે. આ કોઈ સામાન્ય આત્મહત્યા નથી, પરંતુ વ્યવસ્થા દ્વારા કરવામાં આવેલી હત્યા છે.

રાનીબાંધ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાંકુરા સંમિલની મેડિકલ કોલેજ મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં વધુ પડતા કામના ભારણને કારણે હતાશામાં આ પગલું ભર્યું હોવાનું જણાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં પશ્ચિમ બંગાળમાં BLO તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના તણાવના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.

આ પણ વાંચોઃઆ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા 7 બેટ્સમેન

Exit mobile version