Site icon Revoi.in

પાકિસ્તાનમાં વધુ એક ભ્રષ્ટાચાર, તરબેલા-5 હાઈડ્રો પ્રોજેક્ટની ડિઝાઈનમાં કરાયા ફેરફાર, ખર્ચ વદીને 317 કરોડ ઉપર પહોંચ્યો

Social Share

ઇસ્લામાબાદ, 14 જુલાઈ 2026: પાકિસ્તાનના 1,530 મેગાવોટની ક્ષમતા ધરાવતા મહત્વકાંક્ષી ‘તરબેલા-5 એક્સ્ટેંશન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ’ માં સર્જાયેલી કોફરડેમ દુર્ઘટના પાછળ સરકારી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પાકિસ્તાન સરકાર દ્વારા ગઠિત કરાયેલી ત્રણ સદસ્યની તપાસ સમિતિએ પોતાના રિપોર્ટમાં આ મોટી બેદરકારી માટે કોન્ટ્રાક્ટર, કન્સલ્ટન્ટ અને પાકિસ્તાન વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રણેયને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટ અનુસાર, કોન્ટ્રાક્ટ સાઈન થયા બાદ સત્તાવાર મંજૂરી વિના કોફરડેમની મૂળ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના કારણે આખું માળખું નબળું પડી ગયું અને અંતે ધરાશાયી થયું.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ચાઇનીઝ કોન્ટ્રાક્ટર ‘પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશન ઓફ ચાઇના લિમિટેડ’ દ્વારા ખડકોથી બનેલા નબળા માળખાનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો અને વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ કોન્ટ્રાક્ટના નિયમો તપાસ્યા વિના તેને મંજૂરી આપી દીધી હતી. ઓથોરિટીએ પહેલા આ દુર્ઘટના પાછળ પૂરને જવાબદાર ગણાવ્યું હતું, પરંતુ તપાસ સમિતિએ આ દાવો ફગાવી દીધો છે, કારણ કે ઘટના સમયે પાણીનો પ્રવાહ સામાન્ય અને ડિઝાઈનની ક્ષમતા કરતા ઓછો હતો. આ દુર્ઘટનાના કારણે પ્રોજેક્ટનો પ્રારંભિક ખર્ચ 82.36 અબજ પાકિસ્તાની રૂપિયાથી વધીને અધધ 317 અબજ પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયો છે.

પાકિસ્તાનના પ્લાનિંગ કમિશનના જણાવ્યા અનુસાર, ખર્ચ વધવાને કારણે આગામી 30 વર્ષ સુધી વીજળીનો દર 27 થી 28 રૂપિયા પ્રતિ યુનિટ થઈ શકે છે, જેનાથી પ્રોજેક્ટની આર્થિક વ્યવહારિકતા પર સવાલો ઊભા થયા છે. વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની 70 કરોડ ડોલરની લોન દ્વારા બની રહેલો આ પ્રોજેક્ટ, જે વર્ષ 2026 માં પૂર્ણ થવાનો હતો, તે હવે બે વર્ષના વિલંબ સાથે જૂન 2028 સુધી લંબાયો છે. સમિતિએ નબળી મોનિટરિંગ સિસ્ટમ અને કન્સલ્ટન્સી પેમેન્ટ પર પણ સવાલો ઉઠાવ્યા છે, જેના પગલે વાપડાએ કન્સલ્ટન્સી કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે.

Exit mobile version