Site icon Revoi.in

ઉત્તરપ્રદેશના વધુ એક નગરનું નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરાશે

Social Share

લખનૌઃ યુપીના અલીગઢ જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. હવે આ નિર્ણય પર વહીવટીતંત્રની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું હતું કે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાનો પ્રસ્તાવ એક બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે હવે આ પ્રસ્તાવ પ્રશાસનને મોકલવામાં આવશે. હું આશા રાખું છું કે વહીવટીતંત્ર આ અંગે સંજ્ઞાન લેશે અને અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની અમારી માંગણી પૂરી કરશે. આ માંગ ઘણા સમયથી ઉઠી રહી છે. અલીગઢનું નામ બદલવાની દરખાસ્ત ભાજપના કાઉન્સિલર સંજય પંડિતના સૂચનથી પસાર કરવામાં આવી છે.

અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેઠકમાં ભારે હોબાળો થયો હતો. હોબાળા વચ્ચે ભાજપના કાઉન્સિલરે જિલ્લાનું નામ હરિગઢ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા પણ ભાજપના નેતાઓ આવી માંગણી કરતા રહ્યા છે.

અલીગઢ ઉત્તર પ્રદેશનું એક મહત્વપૂર્ણ વ્યાપાર કેન્દ્ર છે અને તેના લોક ઉદ્યોગ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. અલીગઢના તાળાઓ સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે. આ સિવાય અલીગઢ તેના બ્રાસ હાર્ડવેર અને સ્કલ્પચર માટે પ્રખ્યાત છે. અલીગઢ દેશનું એક મોટું શૈક્ષણિક કેન્દ્ર પણ છે. અહીં 100 થી વધુ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ છે. જેમાં અલીગઢ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પણ સામેલ છે.