લખનૌ, 21 જાન્યુઆરી 2026: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. ભારતીય વાયુસેનાનું એક માઈક્રોલાઈટ ટ્રેઈની એરક્રાફ્ટ ટેકનિકલ ખામીને કારણે શહેરની મધ્યમાં આવેલા વિદ્યાવાહિની સ્કૂલ નજીક એક તળાવમાં ક્રેશ થયું હતું. સદનસીબે, વિમાનમાં સવાર બંને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે.
- એન્જિન ફેઈલ થતા હવામાં ગોથા ખાઈને વિમાન તળાવમાં પડ્યું
સેના દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, આ માઈક્રોલાઈટ એરક્રાફ્ટના એન્જિનમાં અચાનક ખામી સર્જાઈ હતી. વિમાન હવામાં થોડો સમય ગોથા ખાતું રહ્યું અને અંતે કે.પી. કોલેજ પાસે આવેલા તળાવમાં જઈ પડ્યું હતું. રહેણાંક વિસ્તાર હોવા છતાં વિમાન તળાવમાં પડવાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટના સમયે પ્રયાગરાજમાં માઘ મેળો ચાલી રહ્યો હોવાથી શહેરમાં ભારે ભીડ હતી. વિમાન પડવાનો પ્રચંડ અવાજ સાંભળીને સેંકડો લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને તંત્રને જાણ કરી હતી.
અકસ્માતની જાણ થતા જ સેનાના હેલિકોપ્ટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમજ વિમાનમાં સવાર બંને પાયલોટોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં પોલીસ અને સેનાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. વાયુસેના દ્વારા આ અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એરક્રાફ્ટને તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી ચાલુ છે અને સેનાનું હેલિકોપ્ટર આકાશમાંથી સતત નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચોઃ વૈશ્વિક વ્યવસ્થા સંકટમાં, ટ્રમ્પને કેનેડાના PM કાર્નીએ આપ્યો પડકાર

