Site icon Revoi.in

GTUની કાલથી શરૂ થતી પરીક્ષામાં ગેરરીતિ સામે 200 જેટલાં નિરીક્ષકો બાજ નજર રાખશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આવતી કાલ તા. 15મી ફેબ્રુઆરીથી ડિગ્રી અને ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર ૩ની તેમજ એમ.ઈ-એમ.ફાર્મ સેમેસ્ટર -૩ની પરીક્ષાઓ લેવાશે. યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરી થતી હોવાની ફરિયાદ કુલપતિને ફોનના માધ્યમથી કે ઓનલાઈન ફરિયાદ થઈ શકશે

સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુની આવતી કાલ તા. 15મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે કુલપતિના સંકલન સાથેની સિક્રેટ સ્ક્વોડની રચના કરાઈ છે. અમદાવાદ સહિતના રાજ્યના 200 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે. ગેરરીતિ અટકાવવા 200 નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરી થતી હોવાની ફરિયાદ કુલપતિને ફોનના માધ્યમથી કે ઓનલાઈન ફરિયાદ થઈ શકશે. કુલપતિ કાર્યાલયને ઓનલાઈન ફરિયાદ મળ્યા બાદ કુલપતિ સાથે સંકલન ધરાવતી સિક્રેટ સ્કવોડને જે પરીક્ષા કેન્દ્રમાં ચોરી થતી હોવાની ફરિયાદ મળી જશે. તે પરીક્ષા કેન્દ્રમાં સિક્રેટ સ્ક્વોડને ચોરી કે ગેરરીતિની તપાસ માટે મોકલવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, કાલે તા. 15મીથી શરૂ થતી પરીક્ષા માટે ગેરરીતિ રોકવા5 ઝોનમાં આશરે પ્રત્યેક ઝોનની બે સ્ક્વોડના હિસાબે કુલ 10 સ્કવોડ કાર્યરત કરાશે. પ્રત્યેક સ્કવોડમાં બે સભ્યોનો સમાવેશ કરાશે. કુલપતિ કાર્યાલયના સીધા સંકલન સાથે સિક્રેટ સ્ક્વોડને કાર્યરત કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જીટીયુના વિદ્યાર્થીઓએ પરીક્ષા ઓફલાઈન અને ઓનલાઈન તેમ બન્ને રીતે લેવા અને વિદ્યાર્થીઓને વિકલ્પ આપવાની માગણી કરી હતી. પણ યુનિવર્સિટીના સત્તાધિશોએ વિદ્યાર્થીઓના હિતમાં મક્કમ રહીને ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો.