Site icon Revoi.in

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના 211 જેટલા નાળા-પૂલોનું મજબૂતીકરણ કરાશે

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ગ્રામ્ય માર્ગો પરના હાલના હયાત નાળા, કોઝ વે, પૂલોના પુનઃ બાંધકામની જરૂરિયાત ધ્યાનમાં લઈને આવા 903 જેટલા સ્ટ્રક્ચર્સના રૂ.1488 કરોડના ખર્ચે નવનિર્માણ માટે અનુમતિ આપી છે. તદઅનુસાર, જરૂરિયાત મુજબ નવા પાઇપ નાળા, નવા કોઝ વે, બોક્ષ કલવર્ટ સ્લેબ ડ્રેઈન, કોઝ વે ને બદલે બારમાસી રસ્તા બનાવવા માટે માઈનોર એન્ડ મેજર બ્રિજ વગેરે કામો હાથ ધરવામાં આવશે.

એટલું જ નહીં, તેમણે રાજ્યના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ પરના નદી-નાળા પરના જુના સ્ટ્રક્ચર્સને ભારે વરસાદ અને ચોમાસાને પરિણામે નુકસાન થયેલા 211 નાળા-પૂલોના મજબૂતીકરણ અને મરામતના કામો માટે 75.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામીણ વિસ્તારોને બારમાસી રસ્તાઓની સહુલિયત મળી રહે અને અંતરિયાળ વિસ્તારોને પણ સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય તેવા ગ્રામ હિતકારી અભિગમ સાથે આ માતબર રકમ ફાળવવા મંજૂરી આપી છે.