Site icon Revoi.in

આસામઃ પ્રતિબંધિત ULFA વિરુદ્ધ NIAની કાર્યવાહી, 16 સ્થળો ઉપર દરોડા

Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ આસામમાં આતંકવાદી સંગઠન ULFA વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી છે. યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ULFA)ની ગતિવિધિઓ અને યુવાનોની ભરતીના સંદર્ભમાં NIAએ આસામના 7 જિલ્લાઓમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. NIAએ ઉલ્ફાના 16 સ્થળો પર સર્ચ કર્યું. દરોડા દરમિયાન ડિજિટલ સાધનો અને દારૂગોળો તથા વાંધાજનક  દસ્તાવેજો મળી આવ્યા હતા.

NIAએ જણાવ્યું હતું કે, ઉલ્ફા ભરતી કેસના સંબંધમાં આસામમાં અનેક સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે. NIAએ કામરૂપ, નલબારી, ડિબ્રુગઢ, તિનસુકિયા, સાદિયા, ચરાઈડિયો અને શિવસાગર સહિત આસામના 7 જિલ્લાઓમાં 16 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.

તેમણે કહ્યું કે, આ સર્ચ ઓપરેશન્સ ઉલ્ફાની ગતિવિધિઓ સાથે સંબંધિત છે, જેમાં ઉલ્ફામાં યુવાનોની ભરતી, ઉલ્ફાને મજબૂત કરવા માટે ભંડોળની ઉચાપત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને મ્યાનમારમાં ભારત-મ્યાનમાર સરહદ પર સ્થિત શિબિરોમાં તેમની તાલીમનો સમાવેશ થાય છે. તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે દરોડામાં ડિજિટલ સાધનો, દારૂગોળો, ઉલ્ફા સાથે સંબંધિત ગુનાહિત દસ્તાવેજો અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ ચાલુ છે. એનઆઈએની તપાસમાં યોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં દેશ વિરોધી પ્રવૃતિઓને અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી આરંભી છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી અનેક આતંકવાદીનો ઠાર મારવામાં આવ્યાં છે. આ ઉપરાંત આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને નાથવા માટે કવાયત આરંભી છે.