Site icon Revoi.in

કોરોનાના મૃતકોના વારસદારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચુકવી દેવાનો નિર્ણય

Social Share

ગાંધીનગરઃ કોરોનાના મૃતકના પરિવારને સહાય આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારનો ઊઘડો લીધા બાદ હવે કોરોનાના મૃતકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ વિભાગે રાજ્યના તમામ કલેક્ટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે. જે અંતર્ગત SDRF માંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના આદેશ બાદ આજે શુક્રવારે રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓમાં સહાય ચુકવવાનું શરૂ કરી દીધુ છે. સરકારે સહાય મટે નવું ફોર્મ જારી કર્યું છે. સરકારે આદેશની સાથે આ ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર 10 દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું હતું. સાથે જ પાટનગર ગાંધીનાગરના 61 કોરોના સહાય લાભાર્થીઓનુ લિસ્ટ પણ જાહેર કરાયુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેના બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં સિટી સિવિક સેન્ટર પર કોરોના સહાય ફોર્મ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ ના હોય તેવા લોકો માટે અલગથી ફોર્મ વિતરણ કરવામા આવે છે.  કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે સહાય ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે..જેમાં અમદાવાદમાં 60 સિવિક સેન્ટરો પરથી ફોર્મ વિતરણ કરવામાં આવે છે..અમદાવાદમાં અત્યાર સુધીમાં મોતનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. પરંતુ 60 સિવિક સેન્ટરો પર કુલ 15 હજાર ફોર્મ મૂકવામાં આવ્યા છે.  અમદાવાદ કોર્પોરેશનએ 3,357 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાનો દાવો કર્યો છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મોટી સંખ્યામાં લોકો અરજીઓ જમા કરાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 31 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 10, વડોદરામાં 8, સુરતમાં 3 અને રાજકોટમાં 1 નવા કેસ નોંધાયા છે. અમેરિકા અને યુરોપના અન્ય દેશોની પરિસ્થિતિ જોઈને જ ભારતમાં પણ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારતમાં પણ કોરોના ફરીથી માથું ઉચકી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 13 રાજ્યોને કેન્દ્ર સરકારે પત્ર લખીને ટેસ્ટિંગનો દર વધારવાની સુચના આપી છે. કોરોનાના નવા વેરિઅન્ટને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુઁ છે.