Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હવે જાપાનના શિક્ષકો જાપાનિઝ ભાષા વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓને શીખવશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં શરૂ થનારા લેંગ્વેજ સેન્ટર અંતર્ગત જાપાનીઝ ભાષાના વર્ગો શરૂ કરવામાં આવશે. જેના માટે ગુરુવારે જાપાન એમ્બેસીના બે પ્રતિનિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવ્યા હતા અને તેમણે યુનિવર્સિટી કેમ્પસ, ટ્રાન્ઝિટ હાઉસ, ભાષા ભવન સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા પહોંચ્યા હતા. આગામી માર્ચ 2022થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેંગ્વેજ ભવન શરૂ કરવામાં આવશે જેમાં જાપાન સહિતની ભાષાઓ શીખવવામાં આવશે.

જાપાન એમ્બેસી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થશે તો જાપાનના શિક્ષક રાજકોટ આવશે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગપતિઓને જાપાનની ભાષા શીખવશે. જાપાનના શિક્ષક ભાષા શીખવવા માટે કોઈપણ પ્રકારનો પગાર કે મહેનતાણું નહીં લે, યુનિવર્સિટીએ માત્ર તે શિક્ષકની રહેવા-જમવા સહિતની પ્રાથમિક વ્યવસ્થા કરવી પડશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની મુલાકાતે  આવેલા જાપાનના ડેલિગેશન સાથે કુલપતિ ડૉ. નીતિન પેથાણી, ઉપકુલપતિ ડૉ. વિજય દેશાણી, સિન્ડિકેટ સભ્ય ડૉ.મેહુલ રૂપાણી, કો-ઓર્ડિનેટર ડૉ. સંજય મુખર્જી સહિતનાએ બેઠક કરી હતી અને જુદી જુદી બાબતોની ચર્ચા કરી હતી. બેઠકમાં સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, ઉદ્યોગો, ટૂરિઝમ કે જ્યાં જાપાનીઝ લેંગ્વેજથી ફાયદો થશે તેના વિશે વાત કરી હતી. જાપાનની ટીમે યુનિવર્સિટી કેમ્પસ ઉપરાંત જ્યાં ભાષા ભવન બનવાનું છે તે બિલ્ડિંગની પણ મુલાકાત લીધી હતી.

ઇન્સ્પેક્શન બાદ હવે જાપાનનું પ્રતિનિધિમંડળે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરવાનો નિર્ણય કરશે. જિલ્લાના ખાસ વિસ્તારોમાં શિક્ષણના પ્રસાર માટે ફરનારી વિઝડમ ઓન વ્હિલ્સ એટલે કે wow બસને પણ જાપાનીઝ ડેલિગેશને નિહાળી હતી અને યુનિવર્સિટી અને જાપાન એમ્બેસી વચ્ચે એમઓયુ થશે તો જાપાનના શિક્ષક વાવ બસ પ્રોજેક્ટમાં પણ પોતાનું યોગદાન આપશે તેવી તૈયારી બતાવી હતી. યુનિવર્સિટીના આ પ્રોજેક્ટને પ્રતિનિધિમંડળે વખાણ્યું હતું.