Site icon Revoi.in

રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના

Balika Panchayat formed in Gujarat

Balika Panchayat formed in Gujarat

Social Share

ગાંધીનગર, 23 જાન્યુઆરી, 2026 – Balika Panchayat formed in Gujarat વિજ્ઞાન હોય કે વહીવટ, રમતગમત હોય કે રાષ્ટ્રની સુરક્ષા, દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના મંત્રને આત્મસાત કરી, ગુજરાત સરકાર દીકરીઓના જન્મને વધાવવાથી લઈને તેમને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવા સુધીના તમામ પડાવ પર મક્કમતાથી કામ કરી રહી છે. તે જ દિશામાં આગળ વધતાં ગુજરાતે દેશમાં પ્રથમવાર ‘બાલિકા પંચાયત’ મોડેલ જેવી નવતર પહેલ અમલી બનાવી છે.

• દીકરીઓને લોકશાહીના પાઠ ભણાવતું બાલિકા પંચાયત મોડેલ અમલી બનાવનાર ગુજરાત દેશમાં અગ્રેસર

રાજ્યની બાલિકાઓમાં નેતૃત્વના ગુણ વિકસાવવા અને તેમને લોકશાહીની પ્રક્રિયાથી માહિતગાર કરવા માટે રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના મોટા અંગિયા અને મસ્કા ગામથી શરૂ થયેલો આ પાયલોટ પ્રોજેક્ટ હવે સમગ્ર રાજ્યની ૧૩ હજાર ગ્રામ પંચાયતોમાં વિસ્તર્યો છે. બાલિકા પંચાયત જેવી નવતર પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે.

દેશભરમાં દીકરીઓના મૃત્યુદર ઘટાડવા તથા તેમના શિક્ષણ, આરોગ્ય અને સમાનતા અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં વર્ષ ૨૦૦૮ થી ૨૪ જાન્યુઆરીના દિવસને ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

• પ્રથમ તબક્કામાં તમામ જિલ્લામાં ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ તૈયાર કરાયા
• બીજા તબક્કામાં ક્લસ્ટર પ્રમાણે ૧,૯૦૦ થી વધુ ‘માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરાશે

કેન્દ્ર સરકાર દ્વારા બાલિકાઓના અધિકારો, શિક્ષણ અને તેમને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન આપવાના ઉદ્દેશ સાથે આ દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ બાલિકાઓના સશક્તિકરણ અને ભવિષ્યને વધુ પરિપૂર્ણ બનાવવાના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો છે. આ વર્ષે ‘દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમનું સશક્તિકરણ’ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવશે.

શું છે મુખ્ય ઉદ્દેશ?

સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતો પૈકી રચના થયેલી ૧૩૦૦૦ ગ્રામ પંચાયત ખાતે બાલિકા પંચાયત અમલવારી માટે કિશોરીઓમાં પોષણ, એનીમિયા, જેન્ડર આધારિત ભેદભાવ, નેતૃત્વ, પંચાયતી રાજ, બાળ અધિકારો, સલામતી અને સંરક્ષણ માટેના કાયદા, કિશોરાવસ્થામાં થતા ફેરફારો જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ આપવા માટે યુનિસેફના સહયોગથી “બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ” પણ તૈયાર કરવામાં આવ્યું છે.

• માસ્ટર ટ્રેનર્સ છેવાડાના ગામની દીકરીઓને તાલીમ આપી તેમને વધુ સશક્ત બનાવશે

તાજેતરમાં પ્રથમ તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના ICDS અને મહિલા કલ્યાણના કર્મયોગીઓને યુનિસેફ દ્વારા ‘ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ’ (ToT) પણ આપવામાં આવી છે. બીજા તબક્કામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં ક્લસ્ટર પ્રમાણે ‘માસ્ટર ટ્રેનર્સ’ તૈયાર કરવામાં આવનાર છે. આ માસ્ટર ટ્રેનર્સ હવે છેવાડાના ગામ સુધીની દીકરીઓને તાલીમ આપી તેમને વધુ સશક્ત બનાવશે.

સ્ત્રી ભ્રૂણહત્યા, બાળ લગ્નો અને બાળ મજૂરી જેવા સામાજિક દૂષણોને દૂર કરી દીકરીઓને સમાન તક આપવા રાજ્ય સરકાર મક્કમ છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ એ માત્ર ઉજવણી નથી, પરંતુ દીકરીઓના આત્મસન્માન અને ઉજ્જવળ ભવિષ્ય માટેના પણ સંકલ્પનો દિવસ છે.

આ પણ વાંચોઃ નક્ષત્રોએ પણ આઝાદીની ચળવળમાં ભાગ લીધો છે: આ રીતે લખાયું લોકમાન્ય તિલકનું પુસ્તક – ઓરાયન

Exit mobile version